Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકા કક્ષાનો કૃષિ મેળો...

Video : કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજાયો

''ભારત મીલેટસ પ્રોડક્ટસના વેચાણ અને નિકાસમાં બહુ જલ્દી મેગા હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે.'' : સાંસદ પૂનમબેન માડમ

- Advertisement -

જામનગર તા.20 ઓક્ટોબર, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે જામનગર તાલુકા કક્ષાનો કૃષિ મેળો-કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

- Advertisement -

કાર્યક્રમમાં જામનગર તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ એટલે કે ઈન્ટરનેશનલ મીલેટસ યર તરીકે જાહેર કરવામાં આવ્યું  છે. આ વર્ષ ઉજવવાનો હેતુ એ છે કે, ગૌણ ધાન્ય જેવા કે, બાજરો, રાગી, નાગલી, જુવાર, કોદરા, કાંગ, સામો વગેરે જાડા ધાન્યોનું ઉત્પાદન વધારવું, તેનો વપરાશ વધારવો, ખેડૂતોની આવકમાં વધારો થાય તે રીતે સમગ્ર દેશમાં પ્રયત્નો કરવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં મીલેટસ વર્ષની ઉજવણીની સાથે ભારતને આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય બજારના કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાનો પણ રહેલો છે.

- Advertisement -

કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતમાં અવકાશી ખેતી જોવા મળે છે. જેથી આપણા ખેડૂતો કુદરત ઉપર આધારિત છે. ત્યારે ખેડૂતોને નિયમિતપણે આવક મેળવવા માટે પશુપાલનની સાથે મીલેટસ ધાન્યોની ખેતી કરવી જોઈએ. માત્ર આર્થિક દ્રષ્ટીએ ફાયદા માટે જ નહી,પરંતુ આરોગ્યની જાળવણી કરવા માટે પણ આપણા ખેડૂતોએ મીલેટસ ધાન્યોનું વાવેતર વધારવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મીલેટસ ધાન્યોના ઉત્પાદનને સતત પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે આપણા સૌની પણ એ જવાબદારી બને છે કે ભારતીય સંસ્કૃતિના મુલ્યોની જાળવણી થાય. જામનગર ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને 24*7 કલાક માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

કૃષિમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, આજના સમયમાં આરોગ્યલક્ષી અનેક પ્રશ્નો જોવા મળી રહ્યા છે. હાનિકારક રંગો અને રસાયણો ધરાવતા ફૂડ પ્રોડક્ટ્સથી લોકોના આરોગ્ય પર જોખમ છે. ત્યારે આપણી પ્રાચીન સંસ્કૃતિમાં મીલેટસ એટલે કે શ્રીધાન્યોના વપરાશના પુરાવા મળ્યા છે. ખેડુતો મીલેટસમાંથી બનતી વાનગીઓનું વેચાણ કરીને સહાયક આવક મેળવી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં મીલેટસમાંથી બનતા પિત્ઝા, રોટલા અને ખાદ્ય પદાર્થોની ભારે માંગ જોવા મળે છે. ત્યારે ખેડૂતોએ આ દિશામાં આગળ ધપવાની જરુરુ છે. ખેડૂતોની આવક વધે, કૃષિની સાથે પશુપાલન અને મત્સ્યોદ્યોગ સાથે સાથે આગળ વધે તે રીતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

- Advertisement -

કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વિશ્વગુરુ બનવા તરફની યાત્રામાં છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હોય કે આંતરરાષ્ટ્રીય શ્રીધાન્ય વર્ષ હોય, ભારતની જવાબદારી બની છે કે તે વિશ્વને ફરી એકવાર સાચો રાહ ચીંધાડી શકશે. આજના આધુનિક સમયમાં પશ્ચિમી સંસ્કૃતિથી પ્રેરણા લઈને પ્રોસેસ્ડ ફૂડ જેવા કે, પીઝા, બર્ગર અને ચિપ્સનું સેવન યુવાવર્ગમાં ખુબ જ જોવા મળે છે. જેનાથી સમાજમાં અનેક રોગોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આંતરરાષ્ટ્રીય ધાન્ય વર્ષની ઉજવણીના ભાગરૂપે લોકોને ફરી એકવાર જાડા ધાન્યોનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સોફ્ટ ગ્રેઈન્સ જેવા કે, ચોખા, ઘઉંનું સેવન શહેરીકરણના લીધે સતત વધી રહ્યું છે. ત્યારે મીલેટસ ધાન્યોનું સેવન લોકોને અનેક રોગોથી બચાવી શકે છે.

કાર્યક્રમમાં જામનગર જિ.પં. ખેતીવાડી શાખા દ્વારા વિવિધ યોજનાઓના જામનગર તાલુકાના કુલ 8 ખેડૂત લાભાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના હસ્તે પેયમેન્ટ ઓર્ડર અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં હાર્વેસ્ટિંગ મશીન, રોટાવેટરની સહાય, પંપસેટ અને ફૂડ સિક્યોરિટી કીટના આર્થિક સહાયના ઓર્ડર કેબીનેટ મંત્રી અને સાંસદના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

જામનગર તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ. વિભાગ, પશુપાલન વિભાગ, ટપાલ વિભાગ, આત્મા પ્રોજેક્ટ વિભાગ, ખેતીવાડી શાખા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા માહિતી દર્શાવતા સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા. જેનો બહોળી સંખ્યામાં ખેડૂત મિત્રોએ લાભ લીધો હતો. આ સ્ટોલમાં મીલેટસ ધાન્યો, મીલેટસથી બનેલી વિવિધ પ્રકારની વાનગીઓ, કૃષિલક્ષી માહિતી દર્શાવતા પેમ્ફ્લેટસ, બિયારણો, ઓજારો, ખાતર અને આરોગ્યલક્ષી સાહિત્યનું લાભાર્થીઓને અને ખેડૂત મિત્રોને વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનોનું મીલેટ્સ કીટ આપીને સ્વાગત કરવાનો નવતર પ્રયોગ શરુ કરાયો છે. કાર્યક્રમનું સંચાલન આત્મા પ્રોજેક્ટ કચેરી અને  હરીદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ નાયબ ખેતી નિયામક તાલીમ  બી.એમ.આગઠ દ્વારા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ હસમુખભાઈ કણજારીયા, તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન દુધાગરા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કેશુભાઈ લૈયા, જામનગર માર્કેટિંગ યાર્ડ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, જામનગર માર્કેટિંગ યાર્ડ ઉપ ચેરમેન જમનભાઈ ભંડેરી, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ, જામનગર ગ્રામ્ય મામલતદાર સુશ્રી તન્વીબેન ત્રિવેદી, જામનગર તાલુકાની સહકારી મંડળીઓના સદસ્યઓ, આજુબાજુના ગામોમાંથી આવેલા ખેડૂતો તેમજ બહોળી સંખ્યામાં આગેવાનઓ અને નગરજનો હાજર રહ્યા હતા.

 

000000

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular