જામનગર શહેરમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી ઠંડીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગઇકાલે સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયા બાદ એક ડિગ્રીનો વધારો નોંધાવવાની સાથે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાતા ઠંડીનું પ્રમાણ યથાવત્ રહ્યું છે. ખાસ કરીને મોડીરાત્રે તથા વ્હેલી સવારે શહેરીજનો તિવ્ર ઠંડીનો સામનો કરી રહ્યાં છે. તો બીજી તરફ મહત્તમ તાપમાન પણ યથાવત્ રહ્યું છે. ઠંડીને પરિણામે તાવ, શરદી, ઉધરસના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે.
જામનગર શહેર-જિલ્લામાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. છેલ્લાં બેથી ત્રણ દિવસથી જામનગર ટાઢુબોળ થઇ રહ્યું છે. ઠંડીને કારણે તાપમાનમાં વધ-ઘટ થઇ રહી છે. ગઇકાલે જામનગર શહેરમાં સિઝનનું સૌથી ઓછુ તાપમાન નોંધાયા બાદ તાપમાનમાં એક ડિગ્રીના વધારા સાથે ઠંડીનું પ્રમાણ યથાવત્ રહ્યું છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યાનુસાર લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી, મહત્તમ તાપમાન 26 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 83 ટકા તથા પવનની ગતિ 3.6 કિ.મી. પ્રતિ કલાકની નોંધાઇ હતી. જામનગર શહેર ઉપરાંત જોડિયા, હડિયાણા, જામજોધપુર, કાલાવડ, ધ્રોલ, ફલ્લા સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે.
જામનગરમાં ઠંડીનો માહોલ બનતાં શહેરીજનો તાપણા તેમજ ગરમ વસ્ત્રોનો સહારો લેતાં જોવા મળી રહ્યાં છે. ઠંડીને પરિણામે પશુ-પક્ષીઓની હાલત કફોડી બની છે. તો બીજીતરફ માર્ગો પર રહેતાં ભિક્ષુકો તેમજ ફૂટપાથ પર સુતા લોકોની હાલત પણ દયનિય બની છે. તો બીજીતરફ તેઓને સેલ્ટર હોમમાં ખસેડવા પણ જામ્યુકો દ્વારા કાર્યવાહી કરાઇ રહી છે. ઠંડીનું પ્રમાણ વધતાં ચા-કોફી, સુપ, કઢેલુ દૂધ, કાવો સહિતની ચીજવસ્તુઓની માગણી પણ વધી રહી છે.
બીજીતરફ ઠંડીનું પ્રમાણ વધતાં જામનગર શહેરમાં તાવ, શરદી, ઉધરસના કેસો પણ વધી રહ્યાં છે. ઠંડીને પરિણામે શરદી-ઉધરસના કેસોમાં વધારો થતાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. ઠંડીને પરિણામે વાયરલ ઇન્ફેકશન અને શરદી-ઉધરસના કેસોમાં પણ ઉછાળો આવી રહ્યો છે. જી.જી. હોસ્પિટલ ઉપરાંત પીએચસી સેન્ટરો તેમજ જામ્યુકોના આરોગ્ય સેન્ટરોમાં તેમજ ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે. મોટાભાગે શરદી-ઉધરસ અને તાવના કેસો જોવા મળી રહ્યાં છે.
ઠંડીનું પ્રમાણ વધતાં વ્હેલી સવારે વોકિંગ કરતાં લોકોમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. તેમજ ઠંડો પવન ફૂંકાતાં ગામડાંઓમાં બજારો વ્હેલી બંધ થઇ રહી છે. તો શહેરમાં પણ રાત્રીના સમયે માર્ગો વ્હેલા સુમસામ બનતા જઇ રહ્યાં છે. છેલ્લા બેથી ત્રણ દિવસથી જામનગરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. વ્હેલી સવારે શાળાએ જતાં વિદ્યાર્થીઓ તેમજ કામધંધે જતાં શહેરીજનો સ્વેટર, શાલ, મફલર સહિતના ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યાં છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધવાનું જણાવ્યું છે.