પ્રધાનમંત્રી મોદી આજે સાંજે જામનગર શહેરની મુલાકાતે આવી રહયા છે. પ્રધાનમંત્રીની આ મુલાકાતને લઇને જામનગરવાસીઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહયો છે.
જામનગર આવી રહેલાં ગુજરાતના પનોતા પુત્ર એવા પીએમ મોદી પ્રદર્શન ગ્રાઉન્ડના મેદાનમાં વિશાળ જનમેદનીને સંબોધન કરશે. સાથે-સાથે આ જનસભામાં તેઓ જામનગર શહેર સહિત જિલ્લાના કુલ રૂપિયા 1448 કરોડના જુદા-જુદા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આમ સભામાં વિકાસનો વરસાદ થશે. દિવાળીન થોડા દિવસો પહેલાં જ જામનગર આવી રહેલાં પીએમ મોદીને સત્કારવા માટે શહેરના માર્ગોને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા છે.
ખાસ કરીને એરપોર્ટથી લાલ બંગલા સર્કલ સુધી કે જે માર્ગ પરથી પ્રધાનમંત્રી મોદી પસાર થવાના છે. તે માર્ગને રોશનીથી ઝળાહળા કરી દેવામાં આવ્યો છે. જાણે શહેરમાં દિવાળી પહેલાં જ દિવાળી આવી ગઇ હોય. પીએમ મોદી રાત્રિ રોકાણ પણ જામનગરમાં કરશે. ત્યારે તેને ધ્યાનમાં લઇ સર્કિટ હાઉસની ઐતિહાસિક ઇમારતને પણ આકર્ષણ રોશનીથી શણગારવામાં આવી છે. પ્રધાનમંત્રીના સ્વાગતમાં કોઇ કચાશ ન રહે તે માટે છેલ્લા એક સપ્તાહથી જિલ્લા તંત્ર અને પક્ષના આગેવાનો તેમજ કાર્યકરો દિવસ-રાત તૈયારીઓમાં લાગ્યા છે. જેના પરિણામે જ આજે છોટીકાશી ખરા અર્થમાં કાશી જેવું જ ભાસી રહ્યું છે. કાશી (વારાણસી) પ્રધાનમંત્રીનું સંસદિય ક્ષેત્ર છે. ત્યારે જામનગરમાં પણ પ્રધાનમંત્રીને તેમના સંસદિય ક્ષેત્ર જેવો જ અનુભવ થશે.
જામનગરીઓ પણ ખરા હૃદયથી પીએમને આવકારવા મોટી સંખ્યામાં સભા સ્થળે ઉમટી પડશે. લોકમેળા માટે જાણીતું પ્રદર્શન મેદાન આજે સાંજે મોદી મેળામાં ફેરવાઇ જશે. પીએમના આગમનને લઇને ગઇકાલ રાતથી જ લોકોમાં ભારે આતુરતા જોવા મળી હતી. રવિવારને કારણે મોટી સંખ્યામાં લોકો આ રોશની જોવા તેમ સભા માટે ઉભા કરાયેલાં ખાસ અદ્યતન ડોમને જોવા માટે ઉમટી પડયાં હતા.
જામનગર શહેરને મળશે આજે બે નવા ઓવરબ્રીજની ભેટ
પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમ્યાન જે વિકાસકામોના ખાતમુહૂર્ત થવાના છે તેમાં જામનગર શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરતાં બે ફલાય ઓવરબ્રીજનો પણ સમાવેશ થાય છે. કુલ રૂપિયા 107 કરોડના ખર્ચે નિર્માણ પામનારા લાલપુર બાયપાસ ચોકડી પર તેમજ હાપા માર્કેટીંગ યાર્ડ રેલવે ક્રોસિંગ પર નિર્માણ પામનારા ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.