જામનગરના ત્રણ વ્યકિતને ધંધા માટે વધુ પૈસા આપવાની લાલચ આપી ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે બોલાવી ગેરકાયદેસર રીતે ગોંધી રાખી છોડવા માટે રૂા.20 લાખની માંગણી કરનાર એક શખ્સને પકડી પાડી જામનગર સીટીબી ડિવિઝન પોલીસ દ્વારા તેના કબ્જામાંથી ભોગ બનનારને છોડાવી જામનગર લાવ્યાં હતાં.
આ બનાવની વિગત મુજબ જામનગરના કેયૂર ઉર્ફે કિશન હરિશભાઇ હાડા(રહે.પટેલ કોલોની શેરી.નં.5 રોડ નં.4), વિરલ ઉર્ફે ભોપલો નરેશભાઇ હાડા(રહે.રાજપાર્ક શેરી નં.3, કલ્યાણ રેસીડન્સી બ્લોક નં.501) અને જતીન રમેશભાઇ પઢિયાર(રહે.સ્વામીનારાયણ નગર, ગરીબ ચોક શેરી નં.4) નામના ત્રણ યુવાનોને ઉત્તરપ્રદેશના ભગવાનસિંગ ઉર્ફે ચાચુ અર્જુનસિંગ ચૌહાણએ યુપી બોલાવી બંધક બનાવી ખંડળી માંગ્તા જામનગર સીટી બી ડિવિઝન દ્વારા ભોગબનનારને આરોપીના કબ્જામાંથી છોડાવ્યા હતાં.
ગત તા.28 નવેમ્બરના રોજ એક મહિલા સીટી બી ડીવીઝન પોલીસ દફ્તરે આવી હતી. તેણીએ જણાવ્યું હતું કે તેના પતિ અને તેમના મિત્રો ચાર દિવસ પૂર્વે ઉત્તરપ્રદેશ ફરવા ગયા હતા. ત્યારે ત્યાંના કોઇ ઇસમે તેમનું અપહરણ કરી ગોંધી રાખેલ હોય અને જાનથી મારી નાંખવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરે છે. જેના આધારે સીટી બી ડિવિઝન દ્વારા ગુનો નોંધી જામનગર પોલીસની એક ટીમ કાનપુર પહોંચી હતી અને સ્થાનિક પોલીસ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટાફની મદદથી ગોંધી રાખેલ જગ્યા અને લોકેશન મેળવી ભોગ બનનારને હાની ન પહોંચે તે રીતે તમામ પરિબળો તપાસી બનાવ જાહેર થયાના 24 કલાકમાં ગુપ્ત ઓપરેશન પાર પાડી ભોગ બનનારોને આરોપીના ચુંગલમાંથી છોડાવી લાવ્યા હતાં અને યુપીના કાનપુર જિલ્લાના સિકદારા તાલુકાના રાજપૂરના ભગવાન સીંગ ઉર્ફે ચાચુ અર્જુનસિંગ ચૌહાણને દબોચી લીધો હતો.
જામનગર પોલીસે ત્રણેય યુવાનોને હેમ ખેમ ઉગારી લીધા હોવાની જામનગર પરિવારને જાણ થતા જામનગરમાં ખુશી ફેલાઈ ગઈ હતી. આજે આ ટીમ ત્રણેય યુવાનોને લઈ જામનગર આવી પહોંચી હતી. આ કામગીરી મદનીશ પોલીસ અધિયક્ષ નિતેશ પાંડેયના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પોલીસ ઇન્સ. કે.જે.ભોયે તથા સાયબર પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગાધે તથા પોલીસ સબ ઇન્સ. વાય.બી.રાણા તથા પોલીસ હેડ કોન્સ.મુકેશસિંહ રાણા તથા પોલીસ કોન્સ. શિવભદ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.