જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે છેલ્લા ત્રણ દિવસથી કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. અને જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેર જિલ્લામાં મોટાપાયે પોલીસ દ્વારા વિજ ચોરી સંદર્ભે પણ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.

તેમાંય ખાસ કરીને બુટલેગરો સહિતના શખ્સો ના રહેણાંક મકાનો પર વિજ તંત્રને સાથે રાખીને ગઈકાલે 100 થી વધુ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વધુ 49 ઘરોમાં વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે, અને આ અંગેના અલગથી ગુનાઓ નોંધવામાં આવી રહ્યા છે.
છેલ્લા 4 દિવસ દરમિયાન વીજ પોલીસ મથકમાં કુલ 228 જેટલા વિજ ચોરી ના ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં સૌપ્રથમ દિવસે 11 ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ બીજા દિવસે 53 ગુના નોંધવામાં આવ્યા હતા, ત્રીજા દિવસે 95 અને ગઈકાલે મોડી રાત્રી સુધીમાં વધુ 49 ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ રહી હતી, અને છેલ્લા ચાર દિવસ દરમિયાન 228 થી વધુ વીજ ચોરીના ગુના દાખલ કરવામાં આવ્યા છે, અને તેમાં કુલ એક કરોડ પચાસ લાખ નો વીજ ચોરીનો દંડ ફટકારવામાં આવ્યો છે.