જામનગર મહાપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી પાર્કિંગ પોલિસી ‘જામનગર મહાપાલિકા પાર્કિંગ બાયલોઝ-2020’ તરીકે ઓળખાશે. જીપીએમસી એકટની કલમ-458ની પેટા કલમ-36 હેઠળ નવો કાયદો અને નિયમો પ્રસ્થાપિત કરવામાં આવશે. આ કાયદો રાજય સરકારના ગેઝેટમાં પ્રસિધ્ધ થયાની તારીખથી અમલમાં આવશે અને તે જામનગર મહાપાલિકાના હદ વિસ્તારમાં લાગુ પડશે.
જામનગર મહાપાલિકાએ તૈયાર કરેલી પાર્કિંગ પોલિસીની કાયદાકિય જોગવાઇઓ પર નજર કરીએ તો, મ્યુ.કમિશનર આ કાયદાને હંગામી સમય માટે ખાનગી મિલકતોમાં પણ લાગુ કરી શકશે. પોલિસીની અમલવારી માટે મ્યુ.કમિશનર શહેરમાં ટ્રાફિક સેલની રચના કરી શકે છે.જેના ડાયરેકટર તરીકે આસિ.કમિશનર કે તેની ઉપરની રેન્કના અધિકારીની નિમણુંક કરવાની રહેશે. આ ઉપરાંત ટ્રાફિક એન્ફોર્સમેન્ટ ઓફિસર કે જે નાયબ ઇજનેર કક્ષાના હશે. તેની નિમણુંક પણ કરવામાં આવશે. શહેરમાં પાર્કિંગ નિયમોના ભંગના તમામ કિસ્સાઓ ટ્રાફિક એન્ફોર્સમેન્ટ ઓફિસર જોશે.
કમિશનર દ્વારા નિમાયેલ અધિકારી કોઇપણ જગ્યાએ વાહનો કેટલાં સમય માટે ઉભા રાખી શકાશે તે નકકી કરશે. તેમજ જગ્યા પણ આ અધિકારી જ નક્કિ કરશે. જૂદી-જૂદી જગ્યાએ પાર્કિંગ માટે નિયમ કરાયેલાં સ્થાન તથા ચાર્જિંસ સ્થાનિક વર્તમાન પત્રોમાં પ્રસિધ્ધ કરવાના રહેશે. ઓનસ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગના ચાર્જમાં સમયાંતરે ફેરબદલ કરવાની સત્તા મ્યૂ.કમિશનરને રહેશે. કોઇપણ વાહન જાહેર જગ્યાએ પાર્ક કરેલું હશે તો તેને મહાપાલિકા ટોઇંગ કરી શકશે અને વાહન માલિક કે ચાલક પાસેથી તેને ખર્ચ વસુલી શકાશે. શહેરમાં વાહનો ટોઇંગ કરવા માટે જે કોઇપણ એજન્સી અથવા તો સ્ટાફ રાખવામાં આવશે તેમને મહાપાલિકા તરફથી ઓળખપત્ર આપવાનું રહેશે.
પાર્કિંગ અંગેના નિયમો અને જોગવાઇઓમાંથી અધિકૃત ઇમરજન્સી વાહનો તેમજ એવા વાહનો કે જે મહાપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા જુદાં-જુદાં હેતુ માટે પરમીટ આપવામાં આવી હોય તેમને મુકતી મળશે. દરેક ટ્રાફિક જંગશનથી 75 મીટર સુધીના વિસ્તારમાં નો-પાર્કિંગ ઝોન રહેશે. જયારે દરેક ઝિબ્રા ક્રોસિંગના 10 મીટર સુધીના વિસ્તારમાં પણ નો-પાર્કિંગ ઝોન રહેશે. શહેરમાં ઓન સ્ટ્રીટ પાર્કિંગની જગ્યાઓ સફેદ લાઇનથી માર્ક કરી પેઇન્ટ કરવાની રહેશે. આ પાર્કિંગ પોલિસીમાં કરવામાં આવેલી જોગવાઇ મુજબ ઓનસ્ટ્રીટ તથા ઓફ સ્ટ્રીટ પાર્કિંગ માટે સિનિયર સિટીઝન તથા વિકલાંગો માટે 10 ટકા રિઝર્વેશન રહેશે.
ફરિયાદ અને અપીલ માટેની જોગવાઇ :-
પાર્કિંગ નિયમના ભંગની કાર્યવાહી સામે ફરિયાદ અને અપીલની જોગવાઇ પણ આ પોલિસીમાં કરવામાં આવી છે. જે અનુસાર કોઇપણ વ્યકિતને કાર્યપધ્ધતિ સામે વાંધો હોય તો ડાયરેકટર ટ્રાફિકને અપીલ કરી શકાશે. ડાયરેકટર ટ્રાફિકે આવી અપીલનો 10 દિવસમાં નિકાલ કરવાનો રહેશે. તેમનો નિર્ણય અંતિમ ગણાશે.


