જામનગર શહેરમાં ખોજા નાકા બહારના વિસ્તારમાં રહેતા વૃદ્ધાએ મોટા થાવરિયા નજીક પ્લોટની ખરીદી કરી હતી. આ બાબતે પ્લોટ વેંચનારને અવારનવાર દસ્તાવેજ કરી આપવા અથવા પ્લોટના રૂપિયા પરત આપવાનું કહેતાં શખ્સે વૃદ્ધાને મારી નાખવાની ધમકી આપી છેતરપિંડી આચરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલા ખોજા નાકા બહાર સંધી જમાત ખાનાવાળી શેરીમાં રહેતા બાનુબેન મહમદભાઇ શેખ (ઉ.વ.65) નામના વૃદ્ધાએ મોટા થાવરિયા ગામના રે.સ.નં. 323 પૈકી 4 એકર 15 ગુંઠાવાળી જમીનમાંથી પ્લોટ નંબર 30 વાળી જમીન ઇરફાન કાસમ શેખ પાસેથી રૂા. 5,64,300માં ખરીદ કરી હતી. આ પ્લોટના રૂપિયા ચૂકવ્યા બાદ દસ્તાવેજ માટે વૃદ્ધા દ્વારા અવારનવાર ઇરફાન પાસે દસ્તાવેજ કરી દેવાની માંગણી કરવામાં આવી હતી. દસ્તાવેજ ન કરી આપે તો પ્લોટના આપેલા રૂપિયા પરત કરવાની માંગણી કરી હતી. જેથી ઉશ્કેરાયલા ઇરફાન શેખએ વૃદ્ધાને મારી નાખવાની ધમકી આપી અને મને વારંવાર પૂછશો તો, પતાવી દઇશ. ત્યારબાદ આખરે વૃદ્ધાએ પંચકોષી ‘એ’ ડિવિઝનમાં ઇરફાન વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ એ. આર. પરમાર તથા સ્ટાફએ ઇરફાન શેખ વિરૂઘ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


