જામનગરમાં ઝિમ્બાબ્વેથી આવેલા વ્યક્તિમાં કોરોનાનું ઓમીક્રોન વેરીએન્ટ હોવાની પુષ્ટી થતાજ જામનગર મહાપાલિકાનું આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. મ્યુનિસિપલ કમિશ્નર વિજય કુમાર ખરાડીએ આજે મહાપાલિકાના કોવિડ કામગીરી સંબંધિત નોડલ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી.
આ બેઠકમાં સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા જરૂરી તમામ પગલા લેવા માટે સુચના આપવામાં આવી હતી. સંભવિત ત્રીજી લહેરને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં કોરોના સંક્રમણ ફરીથી વકરે નહિ તે માટે તમામ નાગરિકોને વહેલામાં વહેલી તકે વેકસીનના બંને ડોઝ લઇ લેવા માટે અપીલ પણ કરવામાં આવી હતી.