જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક આવતીકાલે સવારે 11-30 વાગ્યે જામનગર મહાનગરપાલિકાના પરિસરમાં નવા બનેલા સભાગૃહ ખાતે મળશે. આ જનરલ બોર્ડની બેઠકમાં શરૂઆતમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણી સહિતના અમદાવાદ વિમાન દુર્ઘટનાના દિવંગતોને મૌન દ્વારા શ્રધ્ધાંજલિ આપી કરવામાં આવશે. આ જનરલ બોર્ડમાં અધિકારીઓની બઢતી આપવાના નિર્ણયો લેવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકાની આવતીકાલે જનરલ બોર્ડની બેઠક યોજાશે. કોર્પોરેશનનું જુનું સભાગૃહ જર્જરીત અને નાનું હોવાથી તંત્ર દ્વારા નવું સભાગૃહ બનાવવામાં આવ્યું છે. જેનું તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌ પ્રથમ વખત નવા સભાગૃહમાં જનરલ બોર્ડની બેઠક આવતીકાલે મળશે. વર્ષ 2021થી અત્યાર સુધીમાં જામ્યુકોના પોતાના સભાગૃહના અભાવે ટાઉનહોલ, ચેમ્બર ઓફ કોમર્સ, કુંવરબાઇની ધર્મશાળા સહિતના સ્થળોએ જનરલ બોર્ડની બેઠકો યોજી હતી. ત્યારે હવે 4 વર્ષના સમયગાળા બાદ પોતાના સભાગૃહમાં જામ્યુકો જનરલ બોર્ડની બેઠક યોજશે.
બેઠકના એજન્ડા મુજબ ગત તા. 19-4-25ની બેઠકને બહાલી અપાયા બાદ ઓફિસર્સ સ્ટાફ સિલેકશન કમિટીની બેઠક તા. 9 જુન 2025ના ઠરાવો મુજબ વર્ષોથી ટેકસ ઓફિસર તરીકે કાર્યરત અને હાલ આસી. કમિશનર (ટેકસ) તરીકે ઇન્ચાર્જ રહેલા જીજ્ઞેશભાઇ ર્નિમલને પુર્ણકાલિન આસી. કમિટશન (ટેકસ) તરીકે, સોલિડ વેસ્ટ અને એસ્ટટ વિભાગના કંટોલિંગ અધિકારી ઇજનેર મુકેશભાઇ વરણવાને આસી. કમિશનર (વહિવટ) તરીકે, વોટરવર્કસ વિભાગના કંટ્રોલિંગ અને ઇન્ચાર્જ કા.પા. ઇજનેર નરેશભાઇ પટેલને ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર તેમજ કમિશનરની દરખાસ્ત મુજબ ચીફ ઓડિટરની જગ્યા ઉપર કોમલબેન પટેલને નિમણુંક આપવા ચર્ચા બાદ નિર્ણય થશે. આ ઉપરાંત પ્રશ્ર્નોતરી કાળ દરમ્યાન વિપક્ષ પ્રિ-મોનસુન કામગીરી સહિતના મુદ્ે પસ્તાળ પાડશે. તેવું પણ જાણવા મળી રહયું છે.


