જામનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. જામનગર શહેરમાં 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલા ઘટાડા બાદ સિઝનનું સૌથી ઓછું 10.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા હજૂ આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હાડ થિજાવતી ઠંડીની આગાહી કરાઇ છે. જ્યારે જામનગરમાં સિઝનનું સૌથી નીચુ લઘુત્તમ તાપમાન નોંધાતાં લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે.
જામનગરમાં ઠંડીનું જોર વધ્યું છે. લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિઝિટ નજીક પહોંચી ચૂકયો છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યાનુસાર શહેરમાં લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી, મહત્તમ તાપમાન 22.5 ડિગ્રી તથા હવામા ભેજનું પ્રમાણ 79 ટકા નોંધાયું હતું. બર્ફીલા પવનને કારણે મોડીરાત્રે તથા વ્હેલી સવારે શહેરના રાજમાર્ગો સુમસામ બન્યા હતાં. હજૂ પણ હવામાન વિભાગ દ્વારા લઘુત્તમ તાપમાનનો પારો ગગડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે શહેરીજનો વધુ કાતિલ ઠંડીનો સામનો કરશે.
ઠંડીનું પ્રમાણ વધતાં શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતાં. બીજીતરફ ઠંડીથી રક્ષણ મેળવવા રાત્રીના સમયે લોકોએ તાપણા કર્યા હતાં. તેમજ ચા-કોફી, સુપ, કાવો સહિતની ગરમ વસ્તુઓનો સહારો લેતાં જોવા મળ્યા હતાં. કાતિલ ઠંડીને પરિણામે જનજીવન પ્રભાવિત થયું હતું. માનવ જીવનની સાથે સાથે પશુ-પક્ષીઓની હાલત પણ દયનિય બની હતી.