કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જામનગર ખાતે કૃષિ ઈનપુટ વેચાણ કરનાર વેપારીઓનો 12 અઠવાડિયાનો તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એગ્રો ઈનપુટ ડીલરોને તેમને ઉપયોગી રસાયણિક ખાતર, જંતુનાશક દવાના કાર્યક્ષમ ઉપયોગ તથા પાકમાં આવતા રોગ-જીવાત તથા અન્ય ખામીઓના કારણો તેમજ નિવારણ વિષે ઊંડાણપૂર્વક સમજ આપતો ઈનપુટ ડીલર ટ્રેઈનીંગ કોર્ષ ગુજરાતમાં પ્રથમ વખત જુનાગઢ કૃષિ યુનિવર્સીટીએ શરૂઆત કરવાની પહેલ કરીને પ્રથમ બેચનો આ કોર્ષ પૂર્ણ કરવામાં આવેલ છે. આ તાલીમ કાર્યક્રમના અંતે ઉતીર્ણ થયેલ ડીલરોને પ્રમાણપત્ર આપવા અંગેનો કાર્યક્રમ તા. 21.09.2021ના કે.વી.કે., જામનગર ખાતે જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢના વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો. એચ. એમ. ગાજીપરાની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં રજવાડી એગ્રી સાયન્સ, અમદાવાદ તરફથી ડીલરોને ઓછા કેમિકલ ઉપયોગ સામે બાયો પ્રોડક્ટ ઉપયોગ કરવા અનુરોધ કરીને ડીલરોને મોમેન્ટો ભેટ આપીને આ કાર્યક્રમને યાદગાર બનાવવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં 33 જેટલા એગ્રો ઈનપુટ ડીલરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા.
આ કાર્યક્રમમાં કેવીકે, જામનગરના વડા ડો. કે. પી. બારૈયા, સિનિયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ, કેવીકે, જામનગર, ડો. જી.આર. ગોહિલ, ડો. એચ. સી. છોડવડીયા, જુનાગઢ તેમજ જામનગર પેસ્ટીસાઇડ ડીલર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સંઘાણી, અતુલભાઈ રાણીપા, સુધીરભાઈ ઢોલરીયા, અરવિંદભાઈ કાનાણી, કોર્ષ સંચાલક એ. કે. બારૈયા, ઉપસ્થિત રહેલ હતા.