જામનગર સહિત સમગ્ર વિશ્વમાં ડ્રાયફ્રુટ કચોરી માટે પ્રખ્યાત એવા એચ. જે. વ્યાસ મિઠાઇવાળા જયંતભાઇએ આજે સવારે બાલનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરવા જઇ તેની પોતાની રિવોલ્વરમાંથી ગોળી છોડી આપઘાત કરતાં મંદિરમાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડતાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજયાના બનાવથી અરેરાટી ફેલાઇ ગઇ હતી. પોલીસે સ્થળ અને હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી એફએસએલની મદદ વડે તપાસ આરંભી હતી.
View this post on Instagram
અરેરાટીજનક આ બનાવની વિગત મુજબ જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ પર આવેલી એચ. જે. વ્યાસ મિઠાઇવાળા વિશ્વભરમાં ડ્રાયફ્રુટ કચોરી માટે ખ્યાતિ ધરાવે છે. આ મિઠાઇવાળા જયંતભાઇ વ્યાસ દરરોજ વહેલી સવારે નાગેશ્વર નજીક આવેલા બાલનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરવા જતાં હોય છે. આજે સવારે પણ જયંતભાઇ વ્યાસ (ઉ.વ.આ.80) નામના વેપારી નાગેશ્વર વિસ્તારમાં દર્શન કરવા ગયા હતા. જ્યાં બાલનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગ પાસે દર્શન કર્યા બાદ કોઇ કારણસર તેણે પોતાની જ રિવોલ્વરથી ફાયરીંગ કરી ગળામાં ગોળી મારી આપઘાતનો પ્રયાસ કરતાં મંદિરના ગર્ભગૃહમાં લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. ફાયરીંગના અવાજથી મંદિરમાં દોડી આવેલા લોકોએ જયંતભાઇના પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા જયંતભાઇને લોહી નિતરતી ગંભીર હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમને આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી હતી. પરંતુ ફાયરીંગના થોડાં સમયમાં જ જયંતભાઇનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
મહાદેવના મંદિરમાં ખ્યાતનામ વેપારીએ ગોળી મારી આપઘાત કર્યાની ઘટનાએ શહેરીજનોને હચમચાવી દીધાં છે. જો કે, સુખી સંપન્ન અને વગદાર પરિવારના મોભીએ અગમ્ય કારણોસર ગોળી મારી આપઘાત કર્યાની ઘટનાથી વ્યાસ પરિવારમાં આક્રંદ છવાઇ ગયું હતું. બનાવની જાણના આધારે પોલીસ કાફલો ઘટના સ્થળ અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. ત્યાં પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી કયા કારણોસર વેપારી વૃદ્ધએ આપઘાત કર્યો તે તપાસ માટે એફએસએલની મદદ પણ લેવામાં આવી હતી. જો કે, વધુમાં મળતી વિગત મુજબ વેપારી વૃઘ્ધના પત્નીનું થોડાં સમય અગાઉ નિધન થયું હતું. પત્નીના વિયોગમાં એકલવાયા જીવનથી કંટાળીને જિંદગી ટૂંકાવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. જો કે, સાચી વિગત તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. વેપારી વૃદ્ધના આપઘાતથી શહેરના વેપારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


