જામનગર શહેરના શરૂ સેકશન રોડ પર આવેલા પોલીસ હેડકવાર્ટરમાં રહેતી યુવતીને તેણીના પતિ સહિતના સાસરીયાઓ દ્વારા મારકૂટ કરી પતાવી દેવાની ધમકી આપી દહેજની માંગણી કર્યાના બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલા પોલીસ હેડકવાર્ટરમાં રહેતાં અને સિટી સી ડીવીઝનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીના બહેન પૂનમબા ગંભીરસિંહ જાડેજાના લગ્ન અમરેલીમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ઈન્દ્રજિતસિંહ દિલુભા ગોહિલ સાથે થયા હતાં. લગ્ન જીવન દરમિયાન એક પુત્ર છે. લગ્નજીવન દરમિયાન યુવતીના પતિ ઈન્દ્રજીતસિંહ સાસુ ગુણવંતબા દિલુભા ગોહિલ, નણંદ ચેતનાબા કનકસિંહ જાડેજા, દિપાલીબા પરાક્રમસિંહ જાડેજા સહિતના ચાર સાસરિયાઓએ પૂનમબા સાથે અવાર-નવાર દહેજની માંગણી કરી અપશબ્દો બોલી મારકૂટ કરી પતાવી દેવાની ધમકી આપતા હતાં તેમજ યુવતીના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાને કારણે પુત્ર સાથે તરછોડી મૂકી શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં. આ અંગે પૂનમબા દ્વારા પતિ સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ વી.એલ. ગોહિલ તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.