દેશભરમાં ડીજીટલ યુગની સાથે -સાથે છેતરપિંડીના બનાવો પણ અનેકગણા વધી ગયા છે. ત્યારે જામનગરના શહેરના ધારાસભ્યને રાજકીય પ્રમોશનના નામે છેતરવાનો ઠગ ટોળકી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ધારાસભ્યની સતર્કતાને કારણે પોલીસે ઠગ ટોળકીના ત્રણ સાગરિતોને દબોચી લઇ વધુ પૂછપરછ આરંભી હતી.
આધુનિક સગવડો જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તેના ફાયદાની સાથે સાથે ગેરફાયદા પણ વધી રહ્યા છે. મોબાઇલના ડીજીટલ યુગ આવ્યા બાદ ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ દેશભરમાં અનેકગણા વધી ગયા છે. તેવામાં જામનગરના શહેરની દક્ષિણ બેઠકના ધારાસભ્ય દિવ્યેશ અકબરીને સપ્તાહ પૂર્વે અજાણ્યા શખ્સે ફોન કરીને જણાવ્યું હતું કે એક ગુરૂજીનો શિષ્ય છે અને ગુરૂજીએ તમારું રાજકીય પ્રમોશન થઈ જશે તેવા આશિર્વાદ પાઠવ્યા છે. આવી વાતો કરી ધારાસભ્યને જૂનાગઢથી બોલતો હોવાની વાત કરી ધારાસભ્યને આશિર્વાદ મેળવવા માટે વિધિ કરવી પડશે અને હળદર સહિતની ચીજવસ્તુઓ મુકી ત્રણ કવર તૈયાર કરવાનું તેમજ એક એક કવરમાં 51 હજાર રૂપિયા મૂકવાનું જણાવ્યું હતું. ત્યારે ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ સર્તક થઈ જઈ શખ્સને હું કવરમાં માત્ર 101 રૂપિયા મુકીશ તેમ જણાવ્યું હતું.
ધારાસભ્યને આ કોઇ ઠગ ટોળકી હોવાનો અંદાજ આવી ગયો હતો. જેથી સાવચેત થઇ ગયા હતાં. ઠગ ટોળકીના શખ્સે આટલા મોટા સમુદાયના ધર્મગુરૂ તમને રાજકીય પ્રમોશન માટે આશિર્વાદ આપી રહ્યા છે. તો ઓછામાં ઓછા 51 હજાર રૂપિયા મૂકવા જોઇએ તે બાબતે વાતચીત કરી છેલ્લે 21 હજાર કવરમાં મૂકવા સુધી આવી ગયો હતો પરંતુ ધારાસભ્ય એ રકમ આપવાની ના પાડી હતી. દરમિયાન ધારાસભ્ય એ આ ફોન કોલ્સ વિશે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુને જણાવ્યું હતું. જેના આધારે પોલીસે ગંભીરતા દાખવી તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં અને આ તપાસના અંતે પોલીસે મોબાઇલ નંબરના આધારે ત્રણ શખ્સોને ઝડપી લઇ વધુ તપાસ આરંભી હતી.