જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા પ્રાર્થનાસભા તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના હોદેદારો, કાર્યકરોએ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. તેમજ કોરોનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
તાજેતરમાં વૈશ્ર્વિક કોરોના મહામારીની અત્યંત વિકટ પરિસ્થિતિમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતાં. ખાસ કરીને ગુજરાતમાં પણ કોરોનાએ અનેક લોકોનો જીવ લીધો હતો. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે પ્રાર્થનાસભા તેમજ રક્તદાન કેમ્પનું આયોજન આજરોજ સવારે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય, લીમડાલાઇન ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા), જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા, સહારાબેન મકવાણા, યુવક કોંગે્રસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, કોર્પોરેટર નુરમામદ પલેજા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.