ચોમાસાની સીઝનમાં પૂરતી તકેદારીના અભાવે રાજયના અન્ય શહેરોની જેમ જામનગર પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના ભરડામાં આવી ગયું છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં દરરોજ 800 જેટલાં કેસ તાવ શરદી અને ઉધરસ જેવી વાયરલ બિમારીના આવી રહયા છે. જે પૈકી રોજ 8 થી 10 ડેગ્ન્યુ અને મેલેરિયાના કેસ પણ નોંધાઇ રહયા છે. ખાસ કરીને બાળકોમાં વાયરલ બિમારીનું પ્રમાણ વધુ જણાઇ રહ્યું છે.
સમગ્ર રાજયમાં સપ્ટેમ્બરને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. તેમ છતાં મચ્છરજન્ય રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા 1 મહિનાથી જામનગર શહેરમાં વરસાદી માહોલને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેને કારણે સાદો તાવ, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા કેસોનું પ્રમાણ વધ્યું છે. જી.જી. હોસ્પિટલની ઓપીડી દર્દીઓથી ઉભરાઇ રહી છે. ઓપીડીમાં દરરોજ કુલ 2000 જેટલાં કેસ નોંધાઇ છે. જે પૈકીના અડધાં તાવ, શરદી, ઉધરસના હોવાનું બહાર આવ્યું છે. શહેરમાં મચ્છરોના ઉપદ્રવને કારણે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં પણ વધારો થયો છે.
હોસ્પિટલમાં આવતાં દર્દીઓ પૈકી 70 થી 80 જેટલાં દર્દીઓને દરરોજ દાખલ કરવામાં આવે છે. વાયરલ બિમારીનો ભોગ બાળકો પણ બની રહ્યા છે. હોસ્પિટલમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર એકલા બાળકોના જ 250 થી વધુ કેસ રોજ નોંધાઇ રહ્યાં છે.
મચ્છરજન્ય રોગચાળાના ભરડામાં સપડાયું જામનગર
તાવ, શરદી, ઉધરસના દર્દીઓથી ઉભરાઇ રહી છે જી.જી. હોસ્પિટલ