જામનગરમાં વેપારી સાથે ત્રણ શખ્સોએ કમિશનર અને બ્રોકરેજની લાલચ આપી ફરિયાદી પાસેથી પીતળનો માલસામાન લઇ રૂા.26,63,634 ની રકમ ના ચૂકવી છેતરપિંડી આચરી હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની વિગત મુબ, જામનગર શહેરમાં વસંતવાટિકા રિધ્ધી-સિધ્ધી એપાર્ટમેન્ટ ઈ વિંગ પહેલો માળ ફલેટ નંબર-103 માં રહેતાં અને વેપાર કરતા નિલેશભાઈ કનૈયાલાલ અછડા નામના 41 વર્ષના યુવાન સાથે જામનગરમાં રહેતાં સત્યપાલસિંહ જાડેજા, મયુરસિંહ, તથા વનરાજસિંહ વાળા દ્વારા ફરિયાદીને કમિશન અને બ્રોકરેજની લાલચ આપી ફરિયાદી પાસેથી અંદાજે 7000 કિલોગ્રામ પીતળનો માલસામાન લીધો હતો. જે માલના રૂા.26,63,634 ફરિયાદીને લેવાના નિકળતા હતાં જે નાણાં આરોપીઓએ ફરિયાદીને ચૂકવ્યા ન હતાં. ત્યારબાદ ફરિયાદીને નાણાંની જરૂરિયાત હોય જે નાણા આપવા માટે ફરિયાદીએ આરોપીઓને વારંવાર મેસેજ કર્યા હતાં. આમ છતા આરોપીઓએ નાણાં ચૂકવ્યા ન હતાં અને રૂપિયા આપવામાં ગલ્લાતલ્લા કરતા હતાં.
આથી ફરિયાદી નિલેશભાઈ દ્વારા જામનગરના સિટી સી ડીવીઝનમાં સત્યપાલસિંહ જાડેજા, મયુરસિંહ તથા વનરાજસિંહ વાળા વિરૂધ્ધ વિશ્ર્વાસઘાત, છેતરપિંડી અંગેની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધી સિટી સીના પીએસઆઈ આર.ડી. ગોહિલ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.