વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગરના મહેમાન બનશે અને સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ તેમજ શહેરમાં સંભવત: તેમનો રોડ-શો યોજાનાર હોય જામનગર શહેરમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. રાત્રીના સમયે રોશનીના શણગારથી શહેરના માર્ગો તેમજ ઇમારતો રોશનીથી ઝળહળી ઉઠતી જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. 25 ફેબ્રુઆરીએ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ થનાર છે. આ પૂર્વે આવતીકાલે તેઓ જામનગરમાં રાત્રી રોકાણ કરશે. વડાપ્રધાન મોદી જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરનાર હોય તંત્ર તડામાર તૈયારીમાં લાગી ચૂકયું છે. જામનગર શહેરમાં માર્ગોની મરામત, રંગરોગાન, સફાઇ, સુરક્ષા સહિતની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે અને વડાપ્રધાનના આગમનને લઇ તંત્ર સજ્જ થઇ ગયું છે. આ ઉપરાંત વડાપ્રધાન જામનગરમાં રોડ-શો યોજે તેવી પણ શકયતા હોય, શહેરની ઇમારતો તેમજ માર્ગો પર રોશની કરવામાં આવી છે.વડાપ્રધાનની જામનગરની મુલાકાતને લઇ જામનગર મહાનગરપાલિકા કચેરી, સર્કિટ હાઉસ સહિતની બિલ્ડીંગોને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. આ ઉ5રાંત વડાપ્રધાન જે રુટ ઉપરથી પસાર થશે તે માર્ગો પર પણ રોશનીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. રાત્રીના સમયે શહેરના માર્ગો તેમજ ઇમારતો રોશનીથી ઝળહળી ઉઠતા અદ્ભૂત નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.