જામજોધપુર ગામમાં વેપારી ઉપર નજીવી બાબતે લુખ્ખા તત્વોએ હુમલો કર્યાના બનાવના ઘેરા પ્રત્યાઘાત પડયા હતાં. પોલીસની નિષ્ફળતાના કારણે થયેલા હુમલાના વિરોધમાં આજે જામજોધપુર વેપારી મંડળે સજ્જડ બંધ પાડી રેલી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
લુખ્ખાગીરીના બનાવની વિગત મુજબ જામજોધપુર ગામમાં ખોળ-કપાસના વેપારી ચિરાગ વ્રજલાલ દેલવાડીયા નામના વેપારીની દુકાનમાં આઠ જેટલા શખ્સોએ કાર પાર્ક કરવાની ના પાડતાં ઘુસી જઇ હુમલો કર્યો હતો. આ બનાવ સંદર્ભે પોલીસે વેપારીની ફરિયાદના આધારે તપાસ આરંભી હતી. પરંતુ જાહેરમાં નજીવી બાબતે વેપારી ઉપર કરાયેલી લુખ્ખાગીરીનો વિરોધ સમગ્ર વેપારી આલમમાં પડયો હતો. જામજોધપુરમાં છેલ્લા કેટલાંક સમયથી વધતી જતી લુખ્ખાગીરી, રોમિયોગીરી, વ્યાજ વટાવના ધંધા, ટ્રાફિકના પ્રશ્ર્નો અને દારૂનું વધતું જતું દુષણ સહિતની સમસ્યાઓથી ત્રાસી ગયેલી પ્રજા અને વેપારીઓએ આજે અડધો દિવસ સજ્જડ બંધ પાડયું હતું. તેમજ માર્કેટિંગ યાર્ડે વેપારીઓના સમર્થનમાં સંપૂર્ણ બંધ રાખ્યું હતું.
જામજોધપુર વેપારી આલમ દ્વારા સજ્જડ બંધ પાડી 3000થી વધુ વેપારીઓ અને લોકોએ ગાંધીચોકથી રેલી કાઢી મામલતદારને લુખ્ખાગીરી અટકાવવા આવેદનપત્ર પાઠવ્યું હતું.
શહેરમાં વકરતી ગુંડાગીરી, દારુની બદી તેમજ શહેરમાં ખુલ્લેઆમ વ્યાજ વટાવના ધંધામાં પોલીસની નિષ્ક્રિયતા છતી થતી જોવા મળે છે. શહેરના વ્યાજખોરની હાટડીઓમાંના સંચાલકો સાથે અમુક પોલીસની સાંઠગાંઠ પણ ચર્ચાના સ્થાને છે.