જામજોધપુર તાલુકાના ભરડકી ગામે પતરામાં કરેલો સિમેન્ટનો વાટો કાઢી નાખવા અને નવી દિવાલ બનાવવા બાબતે યુવાન અને તેના પરિવાર ઉપર બાજુમાં રહેતા પિતા-પુત્રએ કોસ અને લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરતા યુવાનનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. હુમલામાં મૃતકનો ભાઇ અને માતા પણ ઘવાયા હતાં. જ્યારે સામા પક્ષે પિતા-પુત્ર ઉપર હુમલો કરી ધમકી આપી હોવાની ઘટના બહાર આવી હતી. જેથી પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર જિલ્લામાં હત્યાના વધુ એક બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના નાની ભરડકી ગામમાં રહેતા જેન્તીભાઇ સાંગાણી નામના યુવાનની બાજુમાં રહેતા રમેશ લખમણ સાંગાણીએ તેના મકાનની દિવાલ ઉપરના પતરામાં સિમેન્ટના વાટા ભર્યા હતાં. પાડોશી જેન્તીભાઈએ વાટા કાઢી નાખવાનું અને નવી દિવાલ ચણાવી લેવાનું કહેતા રમેશ લખમણ સાંગાણી અને તેનો પુત્ર સોહિલ સાથે જેન્તીભાઇનેે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી બાદ પિતા-પુત્રએ જેન્તીભાઇ ઉપર કોસ અને લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરતા જેન્તીભાઇ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. યુવાન ઉપર હુમલો થતાં તેની માતા લાભુબેન અને ભાઇ ગોવિંદ દોડી આવ્યા હતા.
જ્યાં હુમલાખોરેએ ગોવિંદભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ જેન્તીભાઈની માતા લાભુબેનને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા બે પુત્રોને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા જેન્તીભાઇ ધરમશીભાઇ સાંગાણી (ઉ.વ.45) નામના યુવાનનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. જેના આધારે હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો તેમજ હુમલામાં ઘવાયેલ ગોવિંદભાઇ ધરમશીભાઇ સાંગાણી (ઉ.વ.48) નામના યુવાન અને તેની માતા લાભુબેનને સારવાર આપવામાં આવી હતી. બનાવની જાણ થતા પીએસઆઈ કે.વી. ઝાલા તથા સ્ટાફ ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો.
જ્યાં પોલીસે મૃતક જેન્તીભાઈના પુત્ર ડેનિશના નિવેદનના આધારે રમેશ સાંગાણી અને તેના પુત્ર સોહિલ સાંગાણી વિરૂધ્ધ હત્યાનો પ્રયાસ, હત્યા અને ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સામાપક્ષે રમેશ લખમણ સાંગાણી નામના પ્રૌઢે તેની ઉપર ડેનિશ જયંતી સાંગાણી, જયંતી ધરમશી સાંગાણી, ગોવિંદ ધરમશી સાંગાણી, લાભુબેન ધરમશી સાંગાણી નામના ચાર શખ્સોએ લોખંડની કોસ અને લાકડી વડે માર માર્યો હતો તથા પ્રૌઢના પુત્ર સોહિલને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે હુમલાનો ગુનો નોંધી બન્ને પક્ષની સામસામી ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામજોધપુરના ભરડકીમાં પિતા-પુત્રએ પાડોશી યુવાનની હત્યા નિપજાવી
સિમેન્ટના વાટા કાઢવા અને દિવાલ બનાવવા મામલે માથાકૂટ : મૃતકના ભાઈ અને માતાને ઈજા: સામા પક્ષે હુમલો કરાયાની વળતી ફરિયાદ