જામનગર મહાનગરપાલિકાની ગઈકાલે બજેટ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ 2024-25નું રીવાઈઝ અંદાજપત્ર અને 2025-26 નું રૂા.1520.92 કરોડનું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં વિપક્ષ દ્વારા વધારાયેલા પાણી વેરા સહિતનો વિરોધ કર્યો હતો. અંતે બહુમતિથી આ બજેટને મંજૂર કરી દેવામાં આવ્યું હતું.

ગઇકાલે ટાઉનહોલ ખાતે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરાએ બજેટ મેયર તથા ઈન્ચાર્જ કમિશનરને સુપ્રત કર્યુ હતું. આ બજેટમાં કેટલાંક નવા કામોની જાહેરાત કરી હતી. જેમાં 600 કરોડનું રિવરફ્રન્ટ, ફુટબોલ મેદાન બનાવવા, મીની એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા, પાંચ જુદા-જુદા ગૌરવપથ ડેવલપ કરવા, ત્રણ જગ્યાએ દાદા-દાદી ગાર્ડન ડેવલપ કરવા સહિતના કામો હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતુું. ઉંડ-1 ડેમ ખાતે ઈન્ટેકવેલ તથા પમ્પીંગ મશીનરી, ઈલેકટ્રો મીકેનિકલનું 10.91 કરોડના ખર્ચે કામ, શંકરટેકરી ખાતે જૂનો જર્જરિત સમ્પ ડિસમેન્ટલ કરી નવો સમ્પ કેમ્પસ ડેવલપ કરવા, શહેરના હૈયાત ભૂગર્ભ ગટર નેટવર્ક મજબુતીકરણ, કાલાવડ નાકા બહાર રૂા.20 કરોડના ખર્ચે નવો બ્રીજ, ત્રીજું સ્મશાન બનાવવા, માંડવી ટાવર રેસ્ટોરેશન સહિતના કામો બજેટમાં દર્શાવ્યા હતાં.
બજેટ રજૂ થયા બાદ ચર્ચા દરમિયાન વિપક્ષી સભ્યોએ પાણીવેરા સહિતના વધારો કરેલ અન્ય વેરાને બજેટમાંથી પડતા મૂકવા માંગણી કરી હતી. વિપક્ષી કોર્પોરેટર અસલમ ખીલજીએ કાલાવડ નાકા બહાર મંજૂર થયેલ બ્રિજ તથા માંડવી ટાવરના રેસ્ટોરેશન માટે નાણાંની ફાળવણી કરવાની જાહેરાતને આવકારી હતી અને વહેલીતકે કામ પૂર્ણ થાય તે માટે સુચન કર્યુ હતું. આ ઉપરાંત નગર સીમની વિવિધ વિસ્તારોમાં લાઈટો બંધ છે તે રિપેર કરવા તેમજ અગાઉ જુગનુ સ્ટેડિયમ માટે રકમ ફાળવણી કર્યા બાદ આ મેદાન ટીપી સ્કીમના બહાને દૂર ન કરવા ક્રિકેટરો માટે ખાલી રાખવા રજૂઆત કરી હતી.
ભાજપાના કોર્પોરેટર કિશન માડમે બજેટ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, બજેટ ખૂબ જ સારું થોડું છે. થોડાઘણાં વધારા વિકાસ માટે જરૂરી છે તેમ જણાવી બજેટને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. ભાજપાના અન્ય કોર્પોરેટર અને પૂર્વ મેયર બિનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થયેલ મધ્યમ વર્ગને ફાયદાકારકની જેમ જ જામનગર મહાનગરપાલિકાનું બજેટ પણ સામાન્ય વર્ગને ધ્યાને લઇ તૈયાર કરાયું છે જે બદલ અભિનંદન પાઠવી બજેટને આવકાર્યુ હતું.
વિપક્ષી કોર્પોરેટર આનંદભાઈ રાઠોડએ જણવ્યું હતું કે, ભુજીયા કોઠા રેસ્ટોરન્ટમાં દુકાનોના નડતરનો મુદો આવ્યો હતો. ત્યારે અહીં જ પેટ્રોલ પમ્પ પણ આવેલ છે તે માટે શા માટે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ અંગે સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશભાઈ કગથરાએ જણાવ્યું હતું કે, આ મુદ્દે પેટ્રોલ પમ્પ માલિક સાથે ચર્ચાઓ ચાલી રહી છે. પત્રો પણ લખાયા છે. વધુમાં આનંદ રાઠોડએ જણાવ્યું હતું કે, ટાઉનહોલ રિનોવેશનના ચાર કરોડવાળા સાત કરોડ થયા અને હજુ એક કરોડ ડીજી સેટ માટે બજેટમાં જણાવાયું છે ત્યારે આટલા મોટા ખર્ચને લઇને વિપક્ષી કોર્પોરેટરો વિરોધ કર્યો હતો.
વિપક્ષી કોર્પોરેટર અલ્તાફ ખફીએ કેટલાંક કામો જેમ કે ત્રીજું સ્મશાન, ફુટબોલ ગ્રાઉન્ડ સહિતના કામો વર્ષોથી બજેટમાં આવતા હોય. આ અંગે વહેલીતકે કામગીરી કરવા સુચન કર્યુ હતું. જેનમબેન ખફીએ ટાઉનહોલ ટ્રાફિક સિગ્નલ સહિતના મુદ્દાઓ અંગે અનેક આક્ષેપો અને રજૂઆતો કરી હતી અને વેરા પરત ખેંચવા માંગણી કરી હતી.
ભાજપાના કોર્પોરેટર મનિષભાઈ કટારીયાએ બજેટને આવકારી કેટલાંક સુચનો કર્યા હતાં. જેમાં ત્રીજું સ્મશાનની કામગીરી વહેલીતકે થાય, શાળાઓની સાથે નંદ ઘરને પણ સ્માર્ટ બનાવવા, સુભાષ શાકમાર્કેટ પણ જર્જરિત થયેલ હોય તે અંગે પણ કાર્યવાહી કરી માર્કેટ અને પાર્કિંગ બનાવવા વધુ નાના એમ્યુઝમેન્ટ પાર્ક તથા મનોરંજન રાઈડો અંગે કાર્યવાહી કરવા રાત્રિ બજારની વ્યવસ્થા કરવા સહિતના મુદ્દાઓ અંગે સુચનો કર્યા હતાં.
આ સામાન્ય સભામાં વોર્ડ નંબર-1 ના કોર્પોરેટર કાસમભાઈ દ્વારા સ્લમ વિસ્તારમાં વિકાસ કાર્યો અંગે પ્રશ્ર્નો ઉઠાવતા પુર્વ મેયર બિનાબેન કોઠારીએ વોર્ડ નંબર-1 માં તેમના સમયમાં જ કામો થયાની રજુઆત કરતા બન્ને વચ્ચે રકઝક થઇ હતી. આ દરમિયાન વિપક્ષી કોર્પોરેટર કાસમભાઈ દ્વારા ‘તમારી સાથે વાત કરતો નથી તમે શું કામ ઠેકડા મારો છો’ તેવું જણાવતા સામાન્ય સભામાં ગરમાવો આવ્યો હતો અને એક તબકકે મહિલા સભ્યનું અપમાન થયાનું જણાવી ભાજપાના સભ્યોએ હોબાળો મચાવતા ભાજપા -કોંગે્રસના કોર્પોરેટરો સામસામે આવ્યા ગયા હતાં. કાસમભાઈ એ તેમના શબ્દો પરત ખેંચતા મામલો શાંત પડયો હતો.
અંતે, શાસકપક્ષની બહુમતિ દ્વારા બજેટને સામાન્ય સભામાં બહુમતિથી મંજૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેયર દ્વારા ચેર પરથી ‘વન નેશન વન ઈલેકશન’ના પ્રસ્તાવ અંગે સામાન્ય સભામાં મૂકવામાં આવતા વિપક્ષી સભ્યોએ ફરી એક વખત હોબાળો મચાવ્યો હતો અને વિરોધ કરતા ભાજપા-કોંગે્રસના કોર્પોરેટરોએ સામાસામા સુત્રોચ્ચાર કર્યા હતાં.