ભરુચ નજીક આવેલા દેરોલ ગામના પાટિયા પાસે વિહાર કરીને જઇ રહેલા 6 સાધ્વીજીઓ ઉપર વ્હેલી સવારના સમયે આધેડ વયના શખ્સે પીછો કરી પટ્ટા વડે માર માર્યાના બનાવમાં વચ્ચે પડેલા શાકભાજીવાળાને પણ શખ્સે માર માર્યો હતો.
આ બનાવ અંગેની વિગત મુજબ તા. 27-5ના દેરાવાસી જૈન સમાજના 6 સાધ્વીજી સવારે 4:30 કલાકે ભરુચ શ્રીમાળી પોળથી વિહાર કરીને મહમદપુરા પાસેથી પસાર થતાં હતાં ત્યારે એક આધેડ વયના પુરુષે પીછો કરેલ હતો. આ વ્યક્તિએ પીછો કરતાં કરતાં બુમો પાળી તેમને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો અને વિહારમાં નજીક આવવાનો પ્રયત્ન કરેલ હતો. દેરોલ નજીક અતિ નજીક આવવાનો પ્રયત્ન કરતાં સાધ્વીજીઓએ તેને દૂર રહેવા જણાવ્યું તે સમયે ઉશ્કેરાઇને તે વ્યક્તિએ પોતાના કમરપટ્ટા વડે 6 સાધ્વીજીઓને માર મારવાનું શરુ કરી દીધું હતુ. જેમાં એક સાધ્વીજીને ધક્કો મારી દૂર ફેંકી દીધા હતાં. આ જોઇને એક સ્થાનિક શાકભાજીવાળાએ વચ્ચે પડીને બચાવવાનો પ્રયત્ન કરતાં તેને પણ માર માર્યો અને ભાગી ગયો હતો. જો કે, સ્થાનિક લોકોની મદદથી તેને દેરોલ ચોકડી પાસેથી પકડી લેવામાં આવ્યો હતો અને પોલિસને હવાલે કર્યો હતો. ઘટનાની જાણ થતાં ભરુચ અને આજુબાજુના જૈનો હાજર થઇ સાધુ-સાધ્વીજીઓની સુરક્ષાની માગણી કરી હતી.
દરમિયાન જૈન સાધ્વીજી ઉપર થયેલા હિચકારા હુમલાની જાણ થતાં ભરુચ પોલીસ અધિક્ષક મયૂર ચાવડા અને ઇન્ચાર્જ ડીવાયએસપી ડો. કૌશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી.ડી. જણકાટ તથા સ્ટાફે તાત્કાલિક અજાણ્યા શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી અને તપાસ દરમિયાન પોલીસે આણંદના ખંભાત તાલુકાના જહાંગીરપુરનો વતની અને હાલ ભરુચમાં રહેતાં અલ્તાફ હુશેન હમીદ ઇબ્રાહીમ નામના મુસ્લિમ શખ્સને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ હુમલામાં પોલીસે આઇપીસી કલમ 323, 341, 295-એ, 354, 354-ડી, 504 અને 506-2 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.