છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગરમાં દરેક ધાર્મિક તહેવાર આનંદ ઉલ્લાસ સાથે ઉજવાય છે. ગઇકાલે જયા-પાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે શહેરમાં રાત્રી દરમિયાન જાહેર સ્થળોએ રોનક જામી હતી. તો બીજીતરફ કેટલાંક સ્થળોએ સંસ્થાઓ દ્વારા ગરબા સહિતના મનોરંજનના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અષાઢ સુદ 13થી પાંચ દિવસ માટે જયા-પાર્વતી વ્રતની ઉજવણી કરવામાં આવે છે. સુયોગ્ય પતિની પ્રાપ્તિ માટે કુંવારીકાઓ આ વ્રત કરતી હોય છે. ગઇકાલે આ વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે પૂજન-અર્ચન કર્યા બાદ રાત્રીના જાગરણ સાથે આ વ્રતની પૂર્ણાહુતિ થઇ હતી. જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક, જામરણજીતસિંહ પાર્ક, ડીકેવી સર્કલ સહિતના વિવિધ હરવા-ફરવાના સ્થળોએ રાત્રીના સમયે લોકોની ભીડ જામી હતી. આ ઉપરાંત જાગરણ નિમિત્તે શહેરના સિનેમાઘરોમાં પણ ફિલ્મના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજીતરફ જામનગર શહેરમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તેમજ દુર્ગાવાહિની દ્વારા જયા-પાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે ગરબા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગરબા સ્પર્ધામાં જોડાઇ જયા-પાર્વતીના જાગરણની ઉજવણી કરી હતી. જાગરણને લઇ શહેરના હરવા-ફરવાના સ્થળોએ રાત્રીના ચહલ-પહલ જોવા મળી હતી. તેમજ બહેનો સુરક્ષિત રીતે પરિવાર સાથે જાગરણની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારી દાખવી હતી.