વિવિધ યાત્રાધામોમાં રાજ્યવ્યાપી સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત શનિવારે દ્વારકા સ્થિત જગત મંદિર ખાતે સફાઈ અભિયાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારાના તાલ સાથે મંદિર પરિસરના વિસ્તારમાં રેલી નીકળી હતી. 24 તીર્થસ્થાનોને પ્રથમ તબક્કામાં સફાઇ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે પવિત્ર દ્વારકા નગરી ખાતે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ગોમતી ધાટ, રૂક્ષ્મણી મંદીર, ભડકેશ્ર્વર મહાદેવ મંદિર, નાગેશ્ર્વર મંદિર, શિવરાજપુર બિય, રેલ્વે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટેશન, હાઇવે એપ્રોચ રોડ, જાહેર શૌચાલય, રેલ્વે અન્ડર બ્રિજ પાસે, દ્વારકા ખાતે સફાઇની કામગીરી કરવામાં આવી હતી .
આ સફાઇ અભિયાન અંતર્ગત વિવિધ 11 પવિત્ર સ્થળોએ 380 જેટલા સફાઇ કામદારો, ચાર જે.સી.બી., એક લોડર, દસ ટ્રેકટર, દસ ડોર ટુ ડોર કલેકશન વાહન છોટા હાથી વિગેરે જેવા વિવિધ સાધનોની મદદથી આશરે દોઢ લાખ ચો.મી. જેટલા વિસ્તારની સફાઇ કરવામાં આવી હતી. આ સાથે દ્વારકાધીશ મંદીર ખાતે યાત્રીકો તેમજ નાગરીકોને સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા અપિલ કરવામાં આવેલ તેમજ 500 જેટલી કાપડની થેલી નંગનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સફાઇ અભિયાન અંતર્ગત દ્વારકા, ઓખા અને જામ રાવલની નગર પાલિકા, બિ.વી.જી. ઇન્ડીયા પ્રા.લી., ટાટા કેમીકલ્સ પ્રા.લી. સહભાગી થયા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા, દ્વારકા મામલતદાર વી.કે. વરૂ, ચીફ ઓફિસર દ્વારકા ઉદય નશીત, તાલુકા વિકાસ અધિકારી સેરઠીયા, ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રી યુવરાજસિંહ વાઢેર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.