રવિન્દ્ર જાડેજા હાલના સમયનો સૌથી શ્રેષ્ઠ ફિલ્ડર ગણાય છે. વિશ્વમાં તેની ટક્કરનો બીજો કોઇ એવો ખેલાડી નથી કે જે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમતો હોય અને ગેમને પોતાની ફિલ્ડિંગથી લાજવાબ કરી દેતો હોય. તેણે એક મુલાકાતમાં આ બાબતે જણાવ્યું હતું કે તેનામાં જે એથ્લેટિઝમ છે તે મહદઅંશે પ્રકૃતિદત્ત છે જે તેને પોતાના પિતા પાસેથી જિન્સમાં મળેલું છે. જોકે તે પોતાના ખભા માટે અનહદ મહેનત કરે છે અને સતત પ્રેક્ટિસ કરે છે. ચિત્તા જેવી ચપળતા માટે તે કહે છે કે ઘણું બધું પ્રાકૃતિક છે અને પછી તેના પરની મહેનત છે. જો હું મહેનત કરતો ન હોત તો મારા ખભા હજુ સુધી કામ કરતા ન હોત. તે યાદ કરે છે કે મારા કોચ અમને ખૂબ દોડાવતા અને ફિલ્ડિંગ કરાવતા અને પછી જ બેટિંગ મળતી. આ બધું કામ લાગ્યું છે.
હાલમાં તો જાડેજા ઇંગ્લેન્ડના પ્રવાસની તૈયારી કરે છે. અને ટીમ ઇન્ડિયાનો માનીતો ચહેરો છે, પરંતુ 2018ના ઇંગ્લેન્ડના પ્રવાસ અગાઉના દોઢ વર્ષ ટીમની બહાર હોવાથી જાડેજાની સ્થિતિ અસહ્ય હતી. જાડેજા યાદ કરતા કહે છે કે સાચું કહું તો આ ગાળામાં મારી રાતની ઊંઘ હરામ થઇ ગઈ હતી. ત્યારે હું સવારે ચાર વાગે ઊઠી જતો હતો અને વિચારતો રહેતો કે હું શું કરું, હું ટેસ્ટ ટીમની સાથે ફરતો હતો, પરંતુ રમતો ન હતો. વન ડે ક્રિકેટ નહોતો રમતો. ઘરેલું ક્રિકેટ પણ રમી શકતો ન હતો. મારી જાતને સાબિત કરવાની કોઈ તક મળતી ન હતી અને હું સતત વિચારતો કે હું પરત કેવી રીતે આવીશ?