નવું આવકવેરા પોર્ટલ લોન્ચ થયાના મહિના પછી અને નાણાપ્રધાને સમીક્ષા કર્યાના બે સપ્તાહ પછી પણ ટેકનિકલ ખામીઓનો ભોગ બની રહ્યું છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ કહી રહ્યા છે કે ઇ-પ્રોસિડિંગ અને ડિજિટલ સિગ્નેચર ર્સિટફિકેટ જેવી યુટિલિટી હજી પણ કાર્યરત નથી. તેઓ કહી રહ્યા છે કે કેટલીક વિદેશમાં આવેલી કંપનીઓ પોર્ટલ પર લોગ ઇનની સમસ્યાનો સામનો કરી રહી છે. સાત જૂનના રોજ આવકવેરા નવું પોર્ટલ લોન્ચ થયું તે દિવસથી તે ટેકનિકલ ખામીઓનો સામનો કરી રહ્યું છે. તેને પગલે નાણાપ્રધાન નિર્મલા સીતારામને 22 જૂનના રોજ આ પોર્ટલ તૈયાર કરનારી કંપની ઇન્ફોસિસના અધિકારીઓ સાથે બેઠક યોજવાની ફરજ પડી હતી.
આઇટી રિટર્ન્સના 63 દિવસના પ્રોસેસિંગ ટાઇમને ઘટાડીને એક દિવસનો કરવા માટે તેમ જ રિફંડની ઝડપી ચુકવણી થઇ શકે તે હેતુસર ઇન્ફોસિસને વર્ષ 2019માં નવી પેઢીની આવકવેરા ફાઇલિંગ સિસ્ટમ વિકસાવવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પોર્ટલ લોન્ચ થયે એક મહિનો થઇ ગયો અને સમીક્ષા બેઠક યોજાયે બે સપ્તાહનો સમય વીતી ગયો તો પણ યૂઝર્સ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યૂઝર્સ વીતેલા વર્ષોના આઇટી રિટર્ન્સ ફાઇલ કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પોર્ટલ પરથી વર્ષ 2019-20 માટેની નોટિસના ડાઉનલોડિંગમાં મુશ્કેલી પડી રહી છે તેમ જ વિવાદ સે વિશ્વાસ યોજનાના હેઠળનું ફોર્મ ત્રણ પણ જોવા નથી મળતું.
આવકવેરા પોર્ટલ પરની આ ટેકનિકલ ખામીઓ વિષે પુછાયેલા પ્રશ્ર્નના ઉત્તરમાં ઇન્ફોસિસે જણાવ્યું હતું કે, આવકવેરા સંબંધી બાબતોની સ્પષ્ટતા તાજેતરમાં મળેલી એજીએમને કરી દેવામાં આવી છે.