જામનગર શહેરમાં જલાની જાર વિસ્તારમાં ગઈકાલે સાતમા નોતરે ઈશ્વર વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુરૂષોએ પિતાંબર તથા ઝભ્ભો પહેરી ગાતા ગાતા ઈશ્વર વિવાહનું આયોજન કરાયું હતું આ તકે હાલારના સાંસદ, ધારાસભ્ય, શહર ભાજપા પ્રમુખ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
View this post on Instagram
જામનગરમાં જ્યાં 3ર1 વર્ષ કરતા પણ વધુ સમયથી ભગવાન શિવજી અને માતા પાર્વતિજીના લગ્નનો મહિમા વર્ણવતા ઈશ્વર- વિવાહનું ગાન રમીને થાય છે. તેવા ઈશ્વર વિવાહનું આયોજન આ વર્ષે સાતમા નોરતે ગઈકાલની મધરાતે કરવામાં આવ્યું છે. જેને નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતાં. કોઈપણ વાજીંત્ર અને લાઉડ સ્પિકર વગર ખેલાતા આ ઈશ્વર વિવાહની બીજી ખાસિયત એ છે કે, અહીં પિતાંબરી પહેરેલા ભુદેવો અને સર્વજ્ઞાતિના પુરુષો જ ઈશ્વર-વિવાહ લે છે.શહેરના જલાની જાર વિસ્તારની ગરબી પૌરાણિક ગરબીઓમાંની એક છે. આ ગરબીમાં દર સાતમા નોરતે ભુદેવો તેમજ કોઈપણ જ્ઞાતિના શિવભક્તો ઈશ્વર વિવાહ લે છે. ગરબીના ચોકમાં પિતાંબરી અને ઝભ્ભો પહેરીને એકઠા થયેલા પુરુષો , ચોક્કસ તાલ ઉપર એક જ પંક્તિ ચાર-ચાર વખત ગાતા-ગાતા ઈશ્વર વિવાહ નાચીને લે છે. જેને નિહાળવા ઠેર-ઠેરથી લોકો આવે છે. આ ગરબીની વિશેષતા એ છે કે, લાઉડ સ્પીકરનો પણ ઉપયોગ થતો નથી અને કવી દેવીદાસ કૃત આ ઈશ્વર વિવાહ રાત્રે 12 વાગ્યા આજુબાજુ શરૂ થયા હતાં જે મોડેસુધી ચાલ્યા હતાં.
આ તકે હાલારના સાંસદ પૂનમબેન માડમ, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમજ આ વિસ્તારના રહેવાસીઓ તેમજ શહેરીજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને આ ઈશ્વર વિવાહનો લાભ લીધો હતો.