દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોને હાલ પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠાની જરૂરિયાત હોય, આ મહત્વના મુદ્દે ઉર્જા મંત્રી સમક્ષ અગ્રણી દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં આ વર્ષે વ્યાપક અને પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. હાલ છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસ્યો નથી અને ખેડૂતોને ઉભા મોલ માટે હાલ પાણીની પિયત અનિવાર્ય છે. ત્યારે ગ્રામ્ય પંથકમાં અપૂરતા પ્રમાણમાં અપાતો વીજ પુરવઠો તેમજ વારંવાર ટ્રીપિંગ થવાના કારણે ખેડૂતો ઊભા મોલને પિયત કરાવી શકતા નથી. આ પરિસ્થિતિમાં પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોના મોં પાસેનો કોળિયો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દે ાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મસરીભાઈ નંદાણીયાએ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને લેખિત પત્ર પાઠવી, આગામી એકાદ માસ સુધી ખેડૂતોને નિયમિત અને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળે કે જેથી ખેડૂતોને મબલક પાકની ઉપજ થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે. ખંભાળિયા પંથકના મોટી સંખ્યામાં ખેડૂતોને લગતા આ મહત્વના પ્રશ્નનું તાકીદે નિરાકરણ આવે તેવી માંગ ઉઠવા પામી છે.