ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રીએ ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની આપેલી સૂચના બાદ જામ્યુકોનું આરોગ્ય તંત્ર પણ પુરા જોશથી કામે લાગ્યું છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં અટકે તે માટે આરોગ્ય વિષયક ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને મિઠાઇ-ફરસાણની દુકાનોમાં વિશેષ તપાસ કરીને નમૂના એકત્ર કરવામાં આવી રહ્યાં છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનરના આદેશ મુજબ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વિવિધ દુકાનોમાં ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ બેંક વિસ્તારની વિવિધ દુકાનોમાંથી 30 જેટલા નમૂના લઇ ચકાસણી માટે મોકલવાની કામગીરી કરવામાં આવી હતી.
દિવાળીના તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા મીઠાઇ, ફરસાણની માગ અને વેચાણ વધી રહ્યું છે. ત્યારે તહેવારોને અનુલક્ષીને રાજ્યના મુખ્યમંત્રીના આદેશ અનુસાર રાજ્યના લોકોને તહેવારોમાં સારૂ ફૂડ મળી રહે તે માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનરના આદેશથી ફૂડ શાખા દ્વારા દશેરાથી ફૂડ ચેકિંગ હાથ ધરાયું છે. આજોજ શહેના સેન્ટ્રલ બેંક વિસ્તામાં આવેલી મીઠાઇ-ફરસાણની દુકાનોમાંથી 30 જેટલા નમૂના વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. આ નમૂનાઓની તપાસમાં ભેળસેળ કે, કોઇ શંકાસ્પદ વસ્તુ જણાશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.