જામનગર શહેરને સ્વચ્છ અને નિરોગી રાખવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર રોડ-રસ્તા સ્વચ્છ રાખવા તથા ધંધાકીય ઉપયોગ કરતા એકમોને ન્યુસન્સ ન કરવા નોટીસ આપવામાં આવી છે અને તેનું કડકપણે ચેકિંગ હાથ ધરવામાં આવશે. જેનું પાલન ન કરનાર એકમો બંધ કરાવવામાં આવશે. ગઇકાલે 67 ધંધાર્થીઓ/એકમોને નોટીસ ઇસ્યૂ કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને શહેરીજનોની સુખાકારી માટે શહેરમાં જાહેર રોડ રસ્તા ઉપર પાણીને ઢોળવા, પ્લાસ્ટિક-પેપર કપ ફેંકવા, જાહેર જગ્યાનો ધંધાકીય ઉપયોગ કરી ન્યુસન્સ/ઉપદ્રવ કરતા ધંધાર્થીઓને જામનગર મહાનગરપાલિકા દ્વારા મુદતબંધી નોટીસો ઈશ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કુલ-67 ધંધાર્થીઓ/એકમોને નોટીસો ઈશ્યુ કરાઇ હતી. તાત્કાલિક ન્યુસન્સ બંધ કરવા તાકીદ કરવામાં આવી છે. આ ધંધાર્થી/એકમો દ્વારા જાહેરમાં થતું ન્યુસન્સ-ઉપદ્રવ અપાયેલ મુદતમાં બંધ કરવામાં નહી આવે તો ધી જી.પી.એમ.સી. એકટ 1949ની કલમ 376 (ક)ની જોગવાઈઓ મુજબ તેઓના ધંધાકીય એકમનો બંધ કરવા તથા મિલ્કતને કલોઝ ડાઉન/સીલીંગ સહિતના તમામ પગલાઓ જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર છે.
આ ઝુંબેશ અવિરત ચાલુ રહેવાની હોવાથી જાહેર રોડ-રસ્તા ઉપર પાણીને ઢોળવા, પ્લાસ્ટિક-પેપર કપ ફેંકવા કે જાહેર જગ્યાનો ધંધાકીય ઉપયોગ કરી ન્યુસન્સ/ઉપદ્રવ ન ફેલાવવા જામનગર મહાનગરપાલિકા દ્વારા અપીલ કરાઇ છે.
…..તો સ્માર્ટ સીટી બનતા વાર નહીં લાગે!
જામનગર મહાનગરપાલિકા દ્વારા આ સઘન ઝુંબેશ ઉપાડવામાં આવી છે. તે સારી વાત છે, પરંતુ આવી પ્લાસ્ટિક નાબુદી અંગે ઝુંબેશ ઉપાડવામાં આવી છે. પરંતુ તેનું કડકપણે અમલવારી કરાવાતી નથી. માત્ર થોડા દિવસ ઝુંબેશ ઉપાડી દંડ કરવામાં આવી છે. બાદમાં ‘જૈસે થે’ જેવી સ્થિતિ હોય છે. શહેરને સ્વચ્છતા જાળવવા મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ યોગ્ય છે. પરંતુ તેની કડકપણે કાયમી ઝુંબેશ ઉપાડી સદ્ંતર બંધ કરવાની જરૂર છે. આ ઉપરાંત એ પણ જામ્યુકો દ્વારા કરવાની જરૂર છે કે, જે વસ્તુ પ્રતિબંધિત હોય તે વસ્તુનું વેંચાણ પણ વ્યવસાયકારો દ્વારા બંધ કરાવી સઘન ઝુંબેશ ઉપાડવાની પણ જરૂર છે. આવી ન્યુસન્સ તથા શહેરીજનોના આરોગ્ય માટે નુકસાનકારક વસ્તુઓ શહેરમાં વેચાણ માટે ન આવે તે પણ કરવાની તાકિદે જરૂર છે. બાકી તો થોડા દિવસ દંડ કરીને ફરીથી એની એ જ હાલત ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જે માટે શહેરના કોર્પોરેટરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ આ વિશે જાગૃત રહી સાથ આપવાની જરૂર જણાય છે.