પ્રદુષણ નિયંત્રણ અંગેની દેશની સૌથી મોટી સંખ્યા એનજીટી એ ગુજરાતના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ખાલી જગ્યાઓ ભરવા માટે સૂચના આપી છે. રાજયના મુખ્ય સચિવ અનિલ મૂકિમને આ અંગે વ્યવસ્થિત જાણ કરવામાં આવી છે. આ સૂચનાઓ પછી મુખ્ય સચિવે કહ્યું છે કે, રાજયમાં પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે ટૂંક સમયમાં એકશન પ્લાન બનાવવામાં આવશે.
ગુજરાત સહિત દેશના તમામ રાજયોની સરકારોને સૂચના આપવામાં આવી છે કે, 6 મહિનાની અંદર પ્રદૂષણ નિયંત્રણ માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી લ્યો. સાધનોની જરૂર પડે તો વસાવી લ્યો અને લેબોરેટરીઓને અપડેટ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. એનજીટી ના આદેશ પછી, ગુજરાતમાં આ માટેની દોડધામ શરૂ થવા પામી છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક વિસ્તારોમાં અવાર-નવાર પ્રદૂષણ સંબંધી દૂર્ઘટનાઓ સર્જાતી હોય છે. જેના સંદર્ભમાં એનજીટી દ્વારા આ સૂચનાઓ આપવામાં આવી છે અને એમ પણ કહેવામાં આવ્યું છે કે, રાજયના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં જે કોઇ જગ્યાઓ ખાલી હોય તે તાકિદે ભરવામાં આવે.
ગુજરાતના મુખ્ય સચિવે એમ જણાવ્યું છે કે, આ માટે સરકાર દ્વારા જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે અને આગામી દિવસોમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ આ રિપોર્ટ દાખલ કરવામાં આવશે. રાજયના ઔદ્યોગિક પ્રદૂષણ મુદ્દે સરકાર સંવેદનશીલ છે. એમ અનિલ મૂકિમે જણાવ્યું છે.