જામનગરમાં સોમવારે વડાપ્રધાન મોદીની જંગી જાહેરસભા અને 1400 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે ત્યારે વડાપ્રધાનના આગમન પૂર્વે તડામાર તૈયારીઓમાં તંત્ર ઉંધે માથે લાગી ગયું છે. દિવસ-રાત એક કરી અધિકારીઓ અને કર્મચારીઓ આ તૈયારીઓમાં કોઇ કચાશ ન રહી જાય તેની તકેદારી રાખે છે. સમર્પણથી પ્રદર્શન મેદાન સુધીનો રસ્તો ચકચકાટ બનાવી દેવા માટે કામ કરી રહ્યા છે.
વડાપ્રધાનના આગમનને વધાવવા માટે જામનગર શહેર અને વહીવટી તંત્ર દિવસ-રાત જોયા વગર કામ કરી રહ્યું છે. એરફોર્સથી પ્રદર્શન મેદાન ઉપર રોશનીનો ઝગઝગાટ અને રસ્તાઓ ચકચકાટ કરી દેવામાં આવ્યા છે. પ્રદર્શન મેદાન ખાતે વડાપ્રધાનની જંગી જાહેરસભાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તેમજ આ સભાસ્થળની સુરક્ષા વ્યવસ્થા માટે એસ.પી.જી.ના વડા રાજીવ રંજન ભગત અને તેમની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વડાપ્રધાનના કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાની કોઇ ક્ષતિ ન રહી જાય તેની તકેદારી ઉચ્ચ અધિકારીઓ રાખી રહયા છે. જામનગર કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશનર વિજયકુમાર ખરાડી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના નેજા હેઠળ વહીવટી તંત્ર દ્વારા આ તડામાર તૈયારીઓનું નિરીક્ષણ અને કામગીરી ચકાસવામાં આવી રહી છે. ત્યારે શુક્રવારે રાત્રિના એક વાગ્યાના અરસામાં કમિશનર વિજયકુમાર ખરાડી અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા દિગ્જામ સર્કલથી પ્રદર્શન મેદાન સુધીના માર્ગ પર થતા કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ કામમાં કયાંય ગુણવતાની બાબતમાં બાંધછોડ કરવામાં આવી નથી. ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી આમ તો એસ.પી.જી. સંભાળતી હોય છે પરંતુ શહેર અને જિલ્લા કક્ષાએ સુરક્ષા વ્યવસ્થામાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવા માટેના આયોજનો થઈ ગયા છે.
જામનગર શહેરમાં વડાપ્રધાન મોદી દ્વારા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. ત્યારે આ વિકાસ કાર્યો અંગેની માહિતીઓ પ્રજા સુધી પહોંચે તે માટે શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં ચારથી પાંચ જેટલા એલઈડી ટાવર મૂકવામાં આવ્યા છે અને આ એલઈડીમાં જામનગર શહેર અને જિલ્લાના વિકાસ કાર્યો તથા સરકારી યોજનાની માહિતીનું સતત પ્રસારણ કરી પ્રજા સુધી પહોંચાડવાનો અભિગમ રખાયો છે.