જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં 38 લાખ લીટર ની કેપીસીટી સાથેનો જામનગર મહાનગરપાલિકા દ્વારા નવો સમ્પ બનાવવામાં આવી રહ્યો છે જે સ્થળની બુધવારે મ્યુનિ. કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને અન્ય અધિકારીઓને સાથે રાખીને જરૂરી સૂચના અને માર્ગદર્શન અપાયું હતું.
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં ઈ એસ આર ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ 38 લાખ લીટરની કેપીસીટી વાળા નવા સમ્પનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઉપરોક્ત સ્થળે જુના સમ્પની કેપેસિટી 27 લાખની હતી તેની જગ્યાએ હવે 38 લાખ લિટરની કેપેસિટીનો નવો સમ્પ તથા ક્લોરીનેશન સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા ઉપરોક્ત સમ્પના સ્થળની બુધવારે મુલાકાત લેવામાં આવી હતી અને સમગ્ર કામગીરીનો બારીકાઈથી નિરીક્ષણ કરાયું હતું. આ વેળાએ જુદા-જુદા વિભાગના અન્ય અધિકારીઓને સાથે રાખવામાં આવ્યા હતા અને સમયસર સમ્પના નિર્માણની કામગીરી પૂર્ણ થાય તે માટેની જરૂરી સૂચનાઓ આપી અને કામની સતત ક્વોલિટી જળવાઈ રહે તે અંગેનું સૂચન કર્યું હતું.