ભાણવડના રૂપામોરા ગામે કુતરાઓ (શ્વાને) આતંક મચાવી 11 વર્ષની માસુમ બાળકીને ફાડી ખાતા તેનું કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવથી રૂપામોરા ગામમાં હાહાકાર મચી ગયો છે. બાળકીની સ્મશાન યાત્રામાં આંસુનો દરીયો છલકાયો હતો.
કરૂણ બનાવની મળતી વિગત મુજબ, ભાણવડ-જામખંભાળિયા હાઈવે માર્ગ ઉપર રૂપામોરા ગામ આવેલ છે. ત્યાં સગર સમાજની 11 વર્ષની બાળા પુરીબેન હિરાભાઈ પીપરોતર પોતાની વાડી નજીક રમતી હતી તે દરમિયાન 5 થી 6 કુતરા ત્યાં આવી ચડી પુરીબેન નામની બાળા ઉપર હુમલો કર્યો હતો. બાળકીને આખા શરીરમાં બચકા ભરી લઇ ગંભીર ઈજા સાથે લોહી લુહાણ કરી મૂકી હતી ત્યારે ગંભીર હાલતમાં પુરીબેનને ભાણવડની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. પરંતુ ઈજા ગંભીર હોવાથી સારવાર મળે તે પહેલાં જ તેનું કરૂણ મોત નિપજયું હતું.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ, રૂપામોરા ગામની બાળકી પૂરીબેન છઠા ધોરણમાં અભ્યાસ કરે છે ત્યારે અચાનક તેમના નિધનથી શાળામાં અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પૂરીબેનની સ્મશાન યાત્રામાં હૈયાયાટ રૂદન થયું હતું.