જામનગર શહેરમાં ઢીચડા રોડ પર આવેલા તિરૂપતિ પાર્ક વિસ્તારમાં રહેતી પરિણીતાને પ્રેમીએ લગ્ન કરવામાં આડખીલીરૂપ બનેલી પ્રેમિકાની પાંચ વર્ષની બાળકીને પેટમાં બચકુ ભરી વેલણ વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં સારવાર લઇ રહેલી બાળકીને મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે હુમલા બાદ જ આરોપીને ઝડપી લીધો હતો.
ફીટકારજનક બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં શંકરના મંદિર પાસે વિરેન જાનકીદાસ રામાવત નામના બાવાજી શખ્સને ઢીચડા રોડ પર આવેલા તિરૂપતિ પાર્કમાં રહેતી સર્વરીબેન પાનસુરીયા નામની પરિણીતા યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને પ્રેમસંબંધમાં યુવતીને પ્રેમીએ ‘હું તારી સાથે લગ્ન કરીશ પરંતુ તારી દિકરીને સાથે નહીં રાખું’ તેમ જણાવ્યું હતું. જેના કારણે વિરેન અને સર્વરીબેનના પ્રેમ સંબંધમાં લગ્ન કરવા માટે આડખીલીરૂપ બનતી પાંચ વર્ષની બાળકીને બુધવારે સાંજના સમયે પ્રેમિકાના ઘરે જઈ પતાવી દેવાના ઈરાદે પેટમાં બટકુ ભરી વેલણ વડે પગમાં, હાથમાં અને મોઢામાં તથા માથામાં જીવલેણ હુમલો કરતા બાળકી લોહી લુહાણ હાલતમાં ઘવાઈ હતી. ત્યારબાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
દરમિયાન આ બનાવ અંગે સર્વરીબેન પાનસુરીયા નામની યુવતી દ્વારા જાણ કરાતા પીઆઈ એ.આર. ચૌધરી તથા સ્ટાફે યુવતીના પ્રેમી વિરન રામાવત વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ પોલીસે દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જોકે, કમનસીબે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી પાંચ વર્ષની માસુમ બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જેના આધારે પોલીસે હત્યાની કલમ ઉમેરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.