ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં લમ્પી રોગ ઉપરાંત અન્ય રીતે મૃત્યુ પામેલા ગૌવંશને આડેધડ રીતે નિકાલ કરવામાં આવતા ગૌ પ્રેમીઓ સાથે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
ખંભાળિયા નજીક ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત કચેરીની પાછળના ભાગમાં આવેલા સરકારી ખરાબાની જમીનમાં ઘણા સમયથી મૃતક પશુઓને નાખવામાં આવે છે. આ સ્થળે ઘણા સમયથી કેટલાક પશુઓના મૃતદેહ જોવા મળી રહ્યા છે. આટલું જ નહીં, છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન લમ્પી રોગના કારણે મૃત્યુ પામેલી ગાય તથા બળદના મૃતદેહને પણ અહીં બેજવાબદારીપૂર્વક નાખવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. આ સ્થળે હાલ આશરે એકાદ ડઝન જેટલી લમ્પીગ્રસ્ત ગાય તથા બળદના મૃતદેહ પડ્યા હતા. આ વિસ્તારમાં અનેક પશુ મૃતદેહ પડ્યા હોવાથી અહીં કુતરા તથા પક્ષીઓ આવા મૃતદેહને ફાડી ખાઈ, રોગચાળો તથા દુર્ગંધ ફેલાવતા હોવા અંગેની વ્યાપક દહેશત વચ્ચે આ બાબતે ગૌપ્રેમીઓ તથા સ્થાનિકોમાં ભારે કચવાટની લાગણી જોવા મળી રહી છે.
આ સ્થળે ખંભાળિયા શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી મૃતક પશુઓનો નિકાલ કરવામાં આવે છે. આજરોજ સાંજે નગરપાલિકા દ્વારા લમ્પીગ્રસ્ત પશુઓના મૃતદેહને મીઠા સાથે દાટી અને નિયમ મુજબ કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ ગૌવંશમાં લમ્પી વાયરસના ગંભીર રોગચાળા વચ્ચે જો આવા પશુઓના મૃતદેહનો યોગ્ય રીતે નિકાલ નહીં કરવામાં આવે તો અન્ય પશુ-પક્ષીઓમાં પણ ગંભીર બીમારીઓ ફેલાવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.