જૂન મહિનામાં દેશની નિકાસ 23.52 ટકા વધીને 40.13 અબજ ડોલર થઈ છે. જ્યારે, વેપાર ખાધ વધીને 26.18 બિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. વેપાર ખાધમાં તીવ્ર વધારો થવા પાછળનું કારણ સોના અને ક્રૂડ ઓઈલની આયાતમાં ઉછાળો છે. ગુરુવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી મળી છે. મે મહિનામાં દેશની નિકાસમાં 20.55 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. તે જ સમયે, દેશની આયાત જૂનમાં 57.55 ટકા વધીને 66.31 અબજ ડોલર થઈ ગઈ છે.
વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જૂન 2022માં મર્ચેન્ડાઇઝ ટ્રેડ ડેફિસિટ 26.18 બિલિયન ડોલર હતી. જૂન 2021માં આ આંકડો 9.60 બિલિયન ડોલર હતો. તેમાં 172.72 ટકાનો વધારો થયો છે. જૂનમાં ક્રૂડ ઓઈલની આયાત લગભગ બમણી થઈને 21.3 બિલિયન ડોલર થઈ ગઈ છે. સમીક્ષા હેઠળના મહિનામાં કોલસા અને કોકની આયાત બમણાથી વધુ વધીને 6.76 બિલિયન ડોલર થઈ ગઈ છે. જૂન 2021માં તે 1.88 બિલિયન ડોલર હતી. સોનાની આયાતમાં પણ તીવ્ર વધારો થયો છે. તે લગભગ 183 ટકા વધીને 2.74 બિલિયન ડોલર થયું છે. જૂન 2021 માં, કોરોના મહામારીની બીજી લહેરને કારણે આયાતમાં ઘટાડો થયો હતો. આયાતમાં ઘટાડો થવાને કારણે જૂન 2021માં વેપાર ખાધ પણ ઘટીને 9.6 બિલિયન ડોલર થઈ ગઈ હતી. એપ્રિલ-જૂન 2022-23માં સંચિત નિકાસ 24.51 ટકા વધીને 118.96 બિલિયન ડોલર થઈ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન આયાત 49.47 ટકા વધીને 189.76 અબજ ડોલર થઈ છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં વેપાર ખાધ વધીને 70.80 બિલિયન ડોલર થઈ ગઈ છે. એક વર્ષ અગાઉના સમયગાળા દરમિયાન તે 31.42 બિલિયન ડોલર હતી.
નિકાસના મોરચે, પેટ્રોલિયમ ઉત્પાદનોની આઉટબાઉન્ડ શિપમેન્ટ બમણાથી વધુ વધીને 8.65 બિલિયન ડોલર થઈ છે. જેમ્સ અને જ્વેલરીનું શિપમેન્ટ 25 ટકા વધીને 3.53 બિલિયન ડોલર થયું છે. કાપડ, ચોખા, તેલના બીજ, ચા, એન્જિનિયરિંગ અને માંસ, ડેરી ઉત્પાદનોમાં પણ છેલ્લા મહિનામાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે. જોકે, આયર્ન ઓર, હેન્ડીક્રાફ્ટ, પ્લાસ્ટિક, હેન્ડલૂમ પ્રોડક્ટ્સ, કાર્પેટમાં જૂનમાં નકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે.આંકડાઓ પર બોલતા, ઈંભફિ લિમિટેડના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે વેપાર ખાધ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચાલુ ખાતાની ખાધને પણ અસર કરે તેવી અપેક્ષા છે.