ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને આખરી ટી-20માં એક બોલ બાકી હતો, ત્યારે છ વિકેટથી જીત હાંસલ કરતાં 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આ સાથે ભારતે વર્ષ 2013 પછી પહેલીવાર ઘરઆંગણે ટી-20 શ્રેણી જીત્યું હતુ. સૂર્યકુમાર યાદવે 48 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથએ 69 રન અને કોહલીએ 48 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 63 રન ફટકાર્યા હતા. જેના સહારે ભારતે 187નો ટાર્ગેટ 19.5 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. સૂર્યકુમાર યાદવ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. જ્યારે અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ સિરિઝ જાહેર કરવામાં આવ્યો હતો. 187ના ટાર્ગેટનો પીછો કરતાં ભારતે રાહુલ (1) અને રોહિત (17)ની વિકેટ 30ના સ્કોર પર ગુમાવી હતી. જોકે કોહલી અને સૂર્યકુમારે 62 બોલમાં 104 રનની ભાગીદારી કરતાં ભારતને જીત તરફ અગ્રેસર કર્યું હતુ.
સુર્યકુમારની વિકેટ બાદ કોહલીએ હાર્દિક પંડયા સાથે 32 બોલમાં 48 રનની ભાગીદારી કરી હતી. જીતવા માટે માત્ર પાંચ રન બાકી હતા, ત્યારે કોહલી આઉટ થયો હતો. આખરે હાર્દિક પંડયા (16 બોલમાં 25*)એ વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો. દિનેશ કાર્તિક 1 રને ક્રિઝ પર હતો. સેમ્સે બે વિકેટ ઝડપી હતી. અગાઉ ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગમાં ઉતાર્યું હતુ. ટીમ ડેવિડે 27 બોલમાં 54 અને ગ્રીને 21 બોલમાં 52 રન ફટકારતાં ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે 186 રન સુધી પહોંચાડયું હતુ. અક્ષર પટેલે ત્રણ વિકેટ માત્ર 33 રન આપીને ઝડપી હતી. ભારત છેલ્લે 2013માં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામેની 1 ટી-20ની શ્રેણી જીત્યું હતુ. ત્યાર બાદ વર્ષ 2017માં ભારતની ભૂમિ પર બંને ટીમ વચ્ચે ટી-20 શ્રેણી 1-1થી ડ્રો રહી હતી. છેલ્લે 2019માં ઓસ્ટ્રેલિયા ભારત પ્રવાસમાં 2 ટી-20ની શ્રેણી 2-0થી જીત્યું હતુ. જેના કારણે ભારતનો આ 2013 પછીનો ઘરઆંગણાનો ઓસ્ટ્રેલિયા સામેનો પ્રથમ ટી-20 શ્રેણી વિજય હતો.
ત્રણ ટી-20ની શ્રેણી રમવા આફ્રિકાની ટીમ ભારત પહોંચી
ભારત વિરુદ્ધ વન-ડે અને ટી-20 શ્રેણી રમવા માટે આફ્રિકાની ક્રિકેટ ટીમ ભારત આવી પહોંચી છે. આ પ્રવાસે આફ્રિકા ભારત સામે ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમશે. ભારતમાં તમામ આફ્રિકી ખેલાડીઓનું સ્વાગત પારંપરિક રીતે થયું હતું. દક્ષિણ આફ્રિકા ટીમમાં સામેલ મોટાભાગના ખેલાડીઓ આઈપીએલમાં રમતા હોવાથી તેમના માટે ભારતનો માહોલ નવો નથી.ભારત-આફ્રિકા વચ્ચે ટી-20 શ્રેણીનો પ્રારંભ 26 ઑક્ટોબરને બુધવારથી થશે. પહેલી મેચ તિરૂવનંતપુરના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ પર રમાશે. જ્યારે બીજી મેચ બે ઑક્ટોબરે ગૌહાટી અને ત્રીજી મેચ ચાર ઑક્ટોબરથી ઈન્દોરમાં રમાશે. વન-ડે શ્રેણીની શરૂઆત છ ઑક્ટોબરથી થશે જેનો પહેલો મુકાબલો લખનૌમાં રમાશે. જ્યારે બીજી મેચ નવ ઑક્ટોબરે રાંચી અને ત્રીજી મેચ 11 ઑક્ટોબરે દિલ્હીમાં રમાશે. જો કે વન-ડે શ્રેણીમાં ભારતના મુખ્ય ખેલાડીઓ ભાગ લેશે નહીં. ટી-20 વિશ્ર્વકપમાં સામેલ ભારતીય ખેલાડીઓને આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે અને ધવનની આગેવાનીમાં યુવા ખેલાડીઓ આફ્રિકા વિરુદ્ધ રમશે.