પાકિસ્તાનના ખાનેવાલ જીલ્લામાં ભારતની સુપરસોનિક બ્રમ્હોસ મિસાઈલ ખાબકતા પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. તુરંત હરકતમાં આવેલી પાકિસ્તાન આર્મીએ આ અંગે ભારત સરકાર પાસે જવાબ માંગતા આ મિસાઈલ ટેકનીકલ ખામીને કારણે ફાયર થઇ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ અકસ્માત અંગે ભારત સરકારે ખેદ વ્યક્ત કર્યો છે તેમજ કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
ભારતની હથિયાર વિહોણી બ્રહ્મોસ સુપર સોનિક મિસાઇલ પાકિસ્તાનમાં ખાબક્યાનો દાવો પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે, આ ઘટનામાં માત્ર એક દિવાલ ધરાશાયી થયાનું અને જાનમાલને અન્ય કોઇ નુકશાન નહીં થયાનું કહેવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાનની એરસ્પેસમાં ઉડતા વિમાન પર જોખમ સર્જાયું હતું.
પાકિસ્તાનના મેજર જનરલ બાબર ઇફતીખારે એવું જાહેર કર્યું હતું કે 9મી માર્ચે સાંજે 6.43 વાગ્યે ભારતીય સીમામાં હાઇસ્પીડ ચીજ ઉડતી નજરે ચડી હતી અને એકાએક પાકિસ્તાની સીમામાં ખાબકી હતી. પાકિસ્તાનના મિયા ચન્નૂ ક્ષેત્રમાં ખાબકી હતી. આ ઘટનાક્રમમાં કોઇ જાનખુવારી થઇ ન હતી. આ ક્ષેત્રમાં કોઇ સંવેદનશીલ માળખા ન હોવાથી તેને પણ કોઇ નુકશાન નહોતું. જો કે, આ એક દિવાલ ધરાશાયી થઇ હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના 2005નાં કરાર મુજબ કોઇપણ પરીક્ષા પૂર્વે ત્રણ દિવસ અગાઉ એકબીજા દેશને જાણ કરવાની થાય છે. એટલું જ નહીં મિસાઇલ સરફેસ-ટુ-સરફેસ છે કે દરિયાઇ અથવા હવાની તે વિશે પણ જાણ કરવાની રહે છે. બન્ને દેશોની સીમાની 40 કિમી જગ્યામાં લોન્ચ સાઇટ નહીં રાખવાના પણ કરાર છે. પાકિસ્તાની એરફોર્સના પ્રવક્તા તારિક શીયાએ એમ કહ્યું કે હવામાં ઉડતી આ વસ્તુ 40,000 ફૂટની ઉંચાઈએ હતી અને 2.5 થી 3 એમએસીએચની ગતિ હતી. પાકિસ્તાનની અંદર 124 કિલોમીટર અંદર ઘુસી આવી હતી. 6.46 મીનીટમાં ગ્રાઉન્ડ પરખાબકી હતી અને 3.44 મીનીટ પાકિસ્તાની સીમામાં હતી. સુપરસોનિક મિસાઇલ હોવાનો તેઓએ દાવો કર્યો હતો. જો કે, તે હથિયાર વિહોણી આ મિસાઇલ ખાબકી તે સ્થળેથી કાટમાળ એકત્રિત કરવામાં આવ્યો હતો.