ખાલિસ્તાની સમર્થકોએ ફરી માથું ઊંચક્યું છે. પંજાબમાં ખાલિસ્તાનની માગ સાથે બળવો કરી રહેલા અમૃતપાલ સિંહને હવે વિદેશમાં વસતા ખાલિસ્તાની સમર્થક પંજાબીઓ તરફથી સમર્થન મળવા લાગ્યું છે અને બ્રિટન, અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં અમૃતપાલની ધરપકડ ન થાય તેનો વિરોધ થવા લાગ્યો છે. રવિવારે સાંજે બ્રિટનમાં બ્રિટિશ હાઇકમિશનની ઓફિસ બહાર લહેરાતા ભારતના તિરંગાને ખાલિસ્તાનીઓએ ઉતારી લીધો હતો અને તોડફોડ કરી હતી. આ પગલાં સામે ભારતે પણ આક્રમક વલણ અપનાવીને બ્રિટન પાસે ખુલાસો માગ્યો છે. જો કે બ્રિટનમાં વસતા અન્ય ભારતીયોએ જે તિરંગો ઉતારવામાં આવ્યો તેનાથી પણ મોટો તિરંગો લહેરાવીને ખાલિસ્તાનીઓને જડબાંતોડ જવાબ આપ્યો છે.
આ મામલે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેરગીલે એક ફોટો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. તેની સાથે તેમણે કેપ્શન પણ લખી હતી કે ’ઝંડા ઊંચા રહે હમારા… ’ બ્રિટિશ સરકાર દ્વારા દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી અપીલ છે.
વિદેશ મંત્રાલયે કડક ભાષામાં બ્રિટનના રાજદ્વારી પાસે આ મામલે જવાબ માગ્યો હતો. તેમને સવાલ કરાયો હતો કે શું ત્યાંની બ્રિટિશ સિક્યોરિટી આ હુમલા સમયે શું કરી રહી હતી? વિયેના ક્ધવેન્શન અનુસાર સુરક્ષા બ્રિટનની જવાબદારી છે. આ પ્રકારની બેદરકારી સાંખી લેવાય તેમ નથી. આશા છે કે બ્રિટિશ સરકાર એ આરોપીઓની તાત્કાલિક ઓળખ કરી તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે.