Friday, December 5, 2025
Homeબિઝનેસટ્રમ્પના ટેરિફ બોંબથી ભારતીય બજાર હચમચ્યું

ટ્રમ્પના ટેરિફ બોંબથી ભારતીય બજાર હચમચ્યું

સેન્સેકસ અને નિફટીમાં પ્રારંભે જ મોટો કડાકો: રોકાણકારોના 5.5 લાખ કરોડનું ધોવાણ : મીડકેપ- સ્મોલકેપમાં પણ ભારે વેચવાલી

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાતથી ભારતીય શેરબજારમાં ખળભળાટ મચી ગયો છે. સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ લગભગ 800 પોઈન્ટ ઘટયો અને નિફ્ટી પણ 200 પોઈન્ટના ઘટાડા સાથે લાલ નિશાન પર પહોંચી ગયો. બજારમાં ઘટાડાનો આ પાંચમો દિવસ છે. શેરબજારમાં ઘટાડાની સૌથી મોટી અસર મિડકેપ અને સ્મોલકેપ શેરો પર જોવા મળી. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો લગભગ 2% ઘટયા.બજાર ખુલતાની સાથે જ રોકાણકારોએ માત્ર 10 મિનિટમાં લગભગ 5.50 લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ પાછલા સત્રમાં રૂ.453.35 લાખ કરોડથી ઘટીને રૂ.449 લાખ કરોડ થયું.

- Advertisement -

સવારે 10 વાગ્યા સુધીમાં, BSE સેન્સેક્સ 537 પોઈન્ટ ઘટીને 80944 પર અને નિફ્ટી 163પોઈન્ટ ઘટીને 24961 પર હતો. BSE ની ટોચની 30 કંપનીઓમાંથી 26 શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં ટાટા મોટર્સ, RIL, MM અને ભારતી એરટેલ જેવી કંપનીઓના શેરમાં લગભગ 2 ટકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે, 4 કંપનીઓના શેરમાં તેજી રહી, જેમાં ઝોમેટોમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો.

શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન BSE સ્મોલકેપમાં 400 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો હતો. તે જ સમયે, નિફ્ટી સ્મોલકેપમાં 600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે બીએસઈ મિડકેપમાં 300 થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો. સ્મોલકેપ કેટેગરીમાં, ફેઝ થ્રી લિમિટેડના શેરમાં 10 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે મિડકેપ કેટેગરીમાં, પ્રીમિયર એનર્જીઝ લિમિટેડ (3.5%) સૌથી વધુ ઘટયો હતો. આજે BSE પર ટ્રેડ થયેલા 3,085 શેરોમાંથી 887 શેરો વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે 2,033 શેરો નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. 165 શેરોમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું. 61 શેરમાં ઉપલી સર્કિટ અને 61 શેરમાં નીચલી સર્કિટ હતી. આ ઉપરાંત, 51 શેર 52 અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યા. જ્યારે 36 શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે હતા. બીએસઈના માર્કેટ કેપિટલાઇઝેશનમાં મોટો ઘટાડો જોવા મળ્યો. જેનો અર્થ એ થયો કે રોકાણકારોનું મૂલ્યાંકન ઘટયું છે. એક દિવસ પહેલા BSE માર્કેટ કેપ રૂ.452.29 લાખ કરોડ હતું, જે આજે શરૂઆતના કારોબારમાં લગભગ રૂ.3 લાખ કરોડ ઘટીને રૂ.449.56 લાખ કરોડ થયું હતું.

- Advertisement -

ભારતની 6 કંપનીઓ પર પ્રતિબંધ
અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. બીજી તરફ ઈરાન સાથે પેટ્રોલિયમ ઉત્પાદનોના વ્યવહાર પર ભારત સામે ફરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં આલ્કેમિકલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, ગ્લોબલ ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ લિમિટેડ, જ્યુપિટર ડાય કેમ પ્રાઇવેટ લિમિટેડ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે બુધવારે (30મી જુલાઈ) ઈરાની પેટ્રોલિયમ, પેટ્રોલિયમ ઉત્પાદનો અથવા પેટ્રોકેમિકલ વેપારમાં રોકાયેલી 20 વૈશ્વિક સંસ્થાઓ પર પ્રતિબંધોની જાહેરાત કરતા કહ્યું કે, ’ઈરાની શાસન તેની અસ્થિર પ્રવૃત્તિઓને નાણાં આપવા માટે મિડલ ઈસ્ટમાં સંઘર્ષને ભડકાવવાનું ચાલુ રાખે છે. આજે અમેરિકા તેના રેવન્યુના પ્રવાહને રોકવા માટે કાર્યવાહી કરી રહ્યું છે જેનો ઉપયોગ શાસન વિદેશમાં આતંકવાદને સમર્થન આપવા તેમજ લોકો પર જુલમ કરવા માટે કરે છે.અમેરિકાએ ભારત, સંયુક્ત આરબ અમીરાત, તુર્કી અને ઈન્ડોનેશિયાની આ 20 કંપનીઓ પર ઈરાની મૂળના પેટ્રોકેમિકલ ઉત્પાદનોના વેચાણ અને ખરીદી માટે પ્રતિબંધ મૂક્યો છે.

ભારતની 87 અબજ ડોલરની નિકાસ જોખમમાં
ભારત અમેરિકાનો મોટો વેપારી ભાગીદાર છે. ટ્રમ્પના 25 ટકા ટેરિફના કારણે ભારતની અમેરિકામાં થતી 87 અરબ ડોલરની નિકાસ હવે જોખમમાં મુકાઈ ગઈ છે. જેના કારણે ઘણા મુખ્ય ઉદ્યોગોને અસર કરશે.
ટ્રમ્પના આ 25 ટકા ટેરિફનો મુખ્ય નિશાન ભારતના ઘણા શ્રેષ્ઠ નિકાસ ક્ષેત્રો પર પડશે. જેમાં ઓટોમોબાઇલ્સ, ઓટો કમ્પોનન્ટ્સ, સ્ટીલ, એલ્યુમિનિયમ, સ્માર્ટફોન, સોલાર મોડ્યુલ્સ, દરિયાઈ ઉત્પાદનો, રત્નો, આભૂષણ, ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો આ બધું 25 ટકા ની યાદીમાં છે. જોકે, ફાર્મા, સેમિક્ધડક્ટર અને આવશ્યક ખનિજોને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે, ટ્રમ્પ ટેરિફના કાર્યક્ષેત્ર હેઠળ આવનારા ક્ષેત્રો સાથે સંકળાયેલી કંપનીઓ પર મોટી અસર જોવા મળી શકે છે.

- Advertisement -

ટ્રમ્પે કહ્યું હજુ વાટાઘાટો ચાલુ છે
ભારત પર પેનલ્ટી લાગ્યાના કલાકોમાં પ્રમુખ ટ્રમ્પના સુરમાં બદલાવ આવી ગયો છે અને એવો દાવો કર્યો કે, ભારત સાથે હજુ વ્યાપાર સમજુતીની વાટાઘાટો ચાલુ છે અને તેમાં શું થાય છે તે જોવાનું રહેશે. તેમણે કહ્યું કે, ભારત એ અમેરીકા પર સૌથી વધુ ટેરીફ લાદનાર દેશ છે. પરંતુ અમે આ મુદ્દે ભારત સાથે વાટાઘાટ કરી રહ્યા છીએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular