સાતત્યપૂર્ણ-ટકાઉ વિકાસનાં સંદર્ભમાં આપણાં શિક્ષણમાં ઘણું ખૂટે છે. સર્વસમાવેશી શિક્ષણના મુદ્દે આપણે લક્ષ્યાંક સુધી પહોંચવામાં ઘણું ખૂટે છે. સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ યુ.યુ.લલિતે સોમવારે જણાવ્યું કે, આ દિશામાં વધુ પગલાંઓ લેવાની જરૂર છે. પ્રત્યેક બાળકને શ્રેષ્ઠ ગુણવતા યુકત શિક્ષણ મળવું આવશ્યક છે.
જસ્ટિસ લલિત સોમવારે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના કાર્યક્રમ મેગા લીગલ સર્વિસ કેમ્પ, ભૂજ ખાતે કાર્યક્રમમાં આમ બોલ્યા. સમગ્ર દેશમાં લોકોમાં કાયદાઓ અંગે જાગૃતિ આવે, પડતર સમસ્યાઓનું નિરાકરણ મળે તે માટે 2 ઓકટોબરથી 14 નવેમ્બર સુધી દેશભરમાં આ કેમ્પ યોજાઇ રહ્યા છે.
નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના એકઝીકયુટિવ ચેરમેન-જસ્ટિસ લલિતએ કહ્યું : AIIMS, IIT તથા NIT જેવી શૈક્ષણિક સંસ્થાઓ પોતાનાં ક્ષેત્રોમાં અદભૂત કામો કરી રહી છે. પરંતુ દેશભરમાં સરકારી સ્તરે જે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ આપવામાં આવે છે તે તબકકામાં શિક્ષણ માટેની કામગીરી યોગ્ય નથી.
જસ્ટિસે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને પૂછયું: તમો તમારાં બાળકને ખાનગી સ્કૂલમાં ભણાવો છો કે, સરકારી શાળાઓમાં ?!
જસ્ટિસ લલિતે વધુમાં કહ્યું :ભારતમાં શિક્ષણ સર્વસમાવેશી નથી. મોટાં શહેરો તથા ગામડાંઓમાં એકસરખું કવોલિટી શિક્ષણ મળવું જોઇએ. આપણે ત્યાં એમ નથી.જયાં સુધી આપણે આ સ્થિતિ સુધી ન પહોંચીએ, ટકાઉ વિકાસનું ધ્યેય પાર ન પડી શકે. દેશમાં RTE(શિક્ષણનો મૂળભુત અધિકાર)ના ક્ષેત્રમાં વધુ કામ કરવાની આવશ્યકતા છે એમ જસ્ટિસ લલિતે કહ્યું.
ભારતમાં સર્વસમાવેશી શિક્ષણ હોવું જોઇએ : સુપ્રિમ કોર્ટ ન્યાયમૂર્તિ
ભૂજ ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પમાં સંબોધન