કોરોનાના નવા વેરિએન્ટથી વિશ્વમાં કોરોનાની નવી લહેરનો ખતરો નવેસરથી ઉભો થયો છે ત્યારે ભારતે આગામી 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રિય ફલાઇટસ પૂર્વવત કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, 14 દેશોની ફલાઇટ પર પ્રતિબંધ યથાવત રહેશે. દેશમાં કોરોના મહામારી હાલ નિયંત્રણ હેઠળ છે અને છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક કેસ 10,000થી ઓછા નોંધાઈ રહ્યા છે. પરિણામે કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. બીજીબાજુ દેશમાં શુક્રવારે કોરોનાના નવા 10,549 કેસ નોંધાય હતા તેમજ વધુ 488 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. આ સાથે કોરોનાના કુલ કેસ 3.45 કરોડથી વધુ થયા છે જ્યારે મૃત્યુઆંક 4.67 લાખને પાર થઈ ગયો છે. જોકે, એક્ટિવ કેસ 1.10 લાખ જેટલા છે.
દેશના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. એવામાં કમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરીથી શરૂ કરવા મુદ્દે ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને સ્વાસ્થ્ય-પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે ચર્ચા-વિચારણા કરાયા પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. દેશમાં 15મી ડિસેમ્બર 2021થી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો શરૂ કરવામાં આવશે. જોકે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના સંચાલન માટે ગૃહ મંત્રાલય દેશોની ત્રણ યાદી બનાવશે. આ યાદીના આધારે ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રતિબંધિત 14 દેશો સિવાય અન્ય બધા જ દેશો માટે ભારતમાંથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું સંચાલન શરૂ કરાશે. ભારતની પ્રતિબંધિત દેશોની યાદીમાં બ્રિટન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીન, મોરેશિયસ, સિંગાપોર, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે. જોકે, આ દેશોમાં વર્તમાન એર-બબલ ઉડ્ડયન વ્યવસ્થા હેઠળ ફ્લાઈટ્સ ચાલુ રહેશે. ભારતમાં ગયા વર્ષે માર્ચથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું ઉડ્ડયન બંધ છે. જોકે, 28 દેશો સાથે એર બબલ વ્યવસ્થા હેઠળ જુલાઈ 2020થી વિશેષ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનોનું સંચાલન કરાઈ રહ્યું છે.
દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, દેશમાં શુક્રવારે કોરોનાના નવા 10,549 કેસ નોંધાયા હતા અને વધુ 488નાં મોત નીપજ્યાં હતા. આ સાથે કોરોનાના કુલ કેસ 3,45,55,431 જ્યારે એક્ટિવ કેસ 1,10,133 થયા છે. કુલ મૃત્યુઆંક 4,67,468 થયો છે. દેશમાં સતત 49 દિવસથી કોરોનાના નવા કેસ 20,000થી નીચે રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3,39,77,830 દર્દીઓ સાજા થયા છે.
દેશના અનેક રાજ્યોમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. જોકે, શુક્રવારે કર્ણાટકમાં એસડીએમ મેડિકલ સાયન્સ કોલેજ અને હોસ્પિટલમાં વિદ્યાર્થીઓ સહિત 116થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. પરિણામે સંસ્થાની બે હોસ્ટેલમાં 66 વિદ્યાર્થીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી બંને હોસ્ટેલ સીલ કરી દેવાઈ હતી.
બીજીબાજુ રાજસ્થાનમાં કોરોનાના કેસ વધતાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાઓ માતા-પિતા પર વિદ્યાર્થીઓને ઓફલાઈન અભ્યાસ માટે સ્કૂલે મોકલવા ફરજ પાડી શકે નહીં. સ્કૂલોએ વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસની સુવિધા પૂરી પાડવી પડશે.