ભારતે ઓસ્ટ્રેલિયાને 96 રનથી હરાવીને અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટની ટાઈટલ મેચમાં સતત ચોથી અને એકંદરે 8મી વાર પ્રવેશ કર્યો છે. કેપ્ટન યશ ધુલની (110) સદી અને શેખ રશીદની 94 રનની ઈનિંગને કારણે ભારતે 50 ઓવરમાં 290 રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાનો દાવ 41.5 ઓવરમાં 194 રનમાં સમેટાઈ ગયો હતો.
ભારતે 37ના સ્કોર પર પોતાની પહેલી બંને વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી રાશિદ અને ધુલે 204 રનની શાનદાર પાર્ટનરશિપ કરી ઈનિંગને સંભાળી હતી. યશ ધુલ અંડર-19 વર્લ્ડ કપમાં સદી ફટકારનારો ત્રીજો ભારતીય કેપ્ટન બની ગયો છે. તેના પહેલા વિરાટ કોહલી અને ઉન્મુક્ત ચંદ આ રેકોર્ડ નોંધાવી ચુક્યા છે. ઉલ્લેખનિય છે કે ઈન્ડિયન ટીમે બાંગ્લાદેશને એકતરફી મેચમાં 5 વિકેટથી હરાવી સેમી-ફાઈનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવી ટોપ-4માં જગ્યા નક્કી કરી લીધી છે. આ મેચમાં કાંગારૂએ 119 રનથી પાકિસ્તાની ટીમને હરાવી હતી.
અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર રહ્યો છે. બંને ટીમ વચ્ચે કુલ 7 મેચ રમાઈ છે, જ્યાં ટીમ ઈન્ડિયાએ 5 અને કાંગારુ ટીમે 2માં જીત દાખવી છે. હવે આ રેકોર્ડની ખાસ વાત એ રહી છે કે ઈન્ડિયન ટીમ છેલ્લાં 24 વર્ષથી ઓસ્ટ્રેલિયા સામે એકપણ મેચ હાર્યું નથી. ઉલ્લેખનીય છે કે 1998માં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું, ત્યાર પછી આપણી યુવા બ્રિગેડ ક્યારેય હારી નથી. એશિયા કપ જીત્યા પછી ઈન્ડિયન ટીમ વર્લ્ડ કપમાં પણ શાનદાર ફોર્મમાં છે. અત્યારે લીગ સ્ટેજમાં કોરનાનો પડકાર હોવા છતાં ભારતીય યુવા બ્રિગેડે શાનદાર રમત દાખવી છે. તેવામાં બાંગ્લાદેશની ટીમને 5 વિકેટથી હરાવી ઈન્ડિયાએ સેમી-ફાઈનલમાં શાનદાર જીત દાખવી છે.