એશીયા કપ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બપોરથી ભારત-પાકિસ્તાનની પ્રથમ ટકકર શરૂ થશે. ટુર્નામેન્ટનો આ પ્રથમ હાઈ વોલ્ટેજ મુકાબલો બનશે તેના પર ભારત સહિત વિશ્ર્વભરનાં ક્રિકેટ રસીકોની ઉતેજનાભરી નજર રહેવાનું સ્પષ્ટ છે. 11 મહિના બાદ બન્ને દેશો ક્રિકેટમા આમને-સામને આવ્યા છે એટલુ જ નહિં આવતા બે મહિનામાં ભારત-પાક વચ્ચે અનેક મુકાબલા થવાની સંભાવના છે. ભારત-પાકિસ્તાન મેચ માટે કૈંડીના મેદાન પર ખાસ નવી પીચ તૈયાર કરવામાં આવી છે. આ મેદાન પર અત્યાર સુધીમાં અનેક હાઈ સ્કોરીંગ મેચ થયા છે. આજના મેચ માટે તૈયાર કરાયેલી પીચ બોલરોને ફાયદારૂપ હોવાના સંકેત છે. હવામાન પણ વાદળીયુ રહેવાની આગાહી હોવાથી ફાસ્ટ બોલરોને બેવડો લાભ મળી શકે છે. આ સંજોગોમાં મોટો સ્કોર બનાવવાનું સરળ જ નહિં હોય સાંજે તથા રાત્રે વરસાદ થવાની પણ આગાહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચેનાં તંગ સબંધોને કારણે દ્વિપક્ષીય શ્રેણી રમાતી નથી ત્યારે આવી ટુર્નામેન્ટમાં જ મુકાબલા થાય છે તેવા સમયે દર્શકો-ક્રિકેટ રસીકોમાં પણ ઝનુન પેદા થતુ હોય છે. આવતા 80 દિવસમાં બન્ને દેશો વચ્ચે પાંચ મેચ થવાની સંભાવના છે તેનો પ્રથમ જંગ આજે રમાશે.