ભારત અને પાકિસ્તાને પોતપોતાના પરમાણુ સ્થાપનો અને સંસ્થાઓની યાદી એકબીજા સાથે શેર કરી હતી. આ એક એવી પ્રક્રિયા છે કે જે દર વર્ષે બંને દેશો વચ્ચે એક સંધિ હેઠળ કરવામાં આવે છે. 31 ડિસેમ્બર 1988ના રોજ સાઈન કરવામાં આવી હતી અને 27 જાન્યુઆરી 1991ના રોજ અમલ કરાવવામાં આવ્યો હતો. સંધિ મુજબ દર વર્ષે 1લી જાન્યુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન દિલ્હી અને ઈસ્લામાબાદમાં એક સાથે રાજદ્વારીઓ દ્વારા તેમના પરમાણુ હથિયારો અને સુવિધાઓની યાદીની આપ-લે કરે છે. આ સાથે બંને દેશ એકબીજાના પરમાણુ હથિયારો અને સુવિધાઓ પર હુમલો નહીં કરવા સંમત થાય છે.
આ કરાર અંતર્ગત બંને દેશોએ પરમાણુ અંગે માહિતીની આપ-લે 32મી વખત કરી છે. જે 1 જાન્યુઆરી, 1992ના રોજ પ્રથમ વખત થઈ હતી. આ વર્ષે બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિમાં આ પ્રક્રિયા કરવામાં આવી હતી.
ફેબ્રુઆરી 2019માં પુલવામા હુમલાના બદલામાં પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક બાદથી બંને દેશો વચ્ચેની સ્થિતિ તણાવપૂર્ણ છે. એવામાં પણ જયારે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરનો આર્ટીકલ 370 દૂર કરીને તેનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો ત્યારે આ તણાવ વધુ વકર્યો હતો.