કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે.દિલ્હીની સરહદે ચાલી રહેલા ખેડૂત આંદોલનને 4 મહિના પૂર્ણ થવા બદલ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 15 માર્ચના રોજ વેપારી સંગઠનો અને ખેડૂત સંગઠનો સાથે મળીને ખાનગીકરણ અને પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ સામે વિરોધ કરશે.
સંયુક્ત કિસાન મોરચાએ 26 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે. આ વખતે આખા દિવસનો બંધ રહેશે. એક પણ વાહન રસ્તા પર આવવા ન દેવાની યોજના છે. . આ દીવસે આંદોલનને 4 મહિના પૂર્ણ થઇ જશે. આ સિવાય ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે જણાવ્યુ છે કે 13 માર્ચના રોજ તેઓ પશ્ચિમબંગાળ જઈને ખેડૂતોને મળશે. અને કોઈપણ રાજકીય પક્ષને પ્રોત્સાહન નહી આપે.બંગાળમાં ત્રણ દિવસ સુધી મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે અને ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવશે. તેઓએ નામ લીધા વગર એક નિવેદન આપ્યું હતું કે દિલ્હીમાં લુટારાઓનો આખરી બાદશાહ બેઠો છે. તેને દુર કરવો પડશે.
ખેડૂત નેતા બૂટાસિંહે કહ્યું કે આ વખતે ભારત બંધ દરમિયાન ખેડુતોનાં ટ્રેકટરો પણ નહીં ચાલે. સરકાર અને તેની સાથે સંકળાયેલા લોકો સતત એવો પ્રચાર કરી રહ્યા છે કે ખેડૂત આંદોલન નબળું પડી ગયું છે અને હવે લોકો ખેડૂત આંદોલનમાં નથી આવી રહ્યા. બુટાસિંહે કહ્યું કે આવા લોકોને જણાવવા ભારત બંધની હાકલ કરવામાં આવી છે કે, ખેડૂતોનું આંદોલન હજી જીવંત છે. તેમણે કહ્યું કે ભારત બંધ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે. આ વખતે રસ્તા પર એક પણ વાહન રહેશે નહીં. ખેડૂતનાં ટ્રેકટરો પણ બંધ રહેશે.