Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયGSTના વિરોધમાં ભારત બંધ, જામનગર અલિપ્ત

GSTના વિરોધમાં ભારત બંધ, જામનગર અલિપ્ત

બંધને દેશના 8 કરોડ વેપારીઓના સમર્થનનો દાવો : ટ્રાન્સપોર્ટરો પણ બંધમાં જોડાયા : જામનગરના વેપારીઓ બંધથી અળગા રહ્યાં

- Advertisement -

ઇ-વે બિલ, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને લઈને ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ 26 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે. માર્ગ પરિવહન ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોટર્સ વેલ્ફેર એસોસિએશન અને અન્ય સંગઠનોએ પણ બંધને ટેકો જાહેર કર્યો છે.

- Advertisement -

બીજી તરફ જામનગરના વેપારીઓ બંધથી અલિપ્ત રહયા છે. જામનગરની બજારોમાં બંધની કોઇ અસર જોવા મળી નથી. આ અંગે વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ તન્નાએ જણાવ્યું હતું કે, માત્ર જામનગરના જ નહીં પરંતુ ગુજરાતભરના વેપારીઓ આ બંધ સાથે સહમત નથી. જીએસટીની સમસ્યા વેપારીઓને ચોકકસ નડી રહી છે. જે અંગે વેપારીઓ અવાજ પણ ઉઠાવી ચૂકયા છે. પરંતુ હાલની અર્થતંત્રની સ્થિતિ જોતાં વેપારીઓને વેપાર-ધંધા બંધ રાખવા પોશાય તેમ નથી. પરિણામે આજના બંધમાં સામેલ નહીં થવાનું જામનગરના વેપારીઓએ નિર્ણય કર્યો છે. કેટના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે કહ્યું- શુક્રવારે દેશભરમાં 1,500 સ્થળ પર ધરણાં કરવામાં આવશે.

કેટ અનુસાર, ગયા વર્ષે 22 ડિસેમ્બરે અને ત્યાર બાદ GST નિયમોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. આમાં અધિકારીઓને વધુ સત્તા આપવામાં આવી હતી. હવે કોઈપણ અધિકારી કોઈપણ કારણોસર કોઈપણ વેપારી GST રજિસ્ટ્રેશન નંબર સસ્પેન્ડ અથવા કેન્સલ કરી શકે છે. બેંક ખાતાં અને સંપત્તિ પણ જપ્ત કરી શકે છે. ખાસ વાત એ છે કે આ કરતાં પહેલાં વેપારીને કોઈ નોટિસ આપવામાં આવશે નહીં. એ વેપારીઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

- Advertisement -

ઇ-વે બિલની મર્યાદા 100 કિ.મી.થી વધારીને 200 કિ.મી. કરવામાં આવી હોવાથી 1 જાન્યુઆરીથી અમલમાં આવેલા નવા ઇ-વે બિલ નિયમથી ટ્રાન્સપોર્ટર્સ અને વેપારીઓ ચિંતિત છે. ખરેખર 2021-22ના બજેટમાં ઇ-વે બિલની કલમ 129માં બદલાવ કરવામાં આવ્યો છે. તદનુસાર, જો બિલમાં કોઈ ભૂલ થાય છે તો પછી ટેક્સ અને પેનલ્ટી બંને વસૂલવામાં આવશે, સાથે જ જે ટેક્સ અગાઉ પરત કરવામાં આવતો હતો એ હવે થશે નહીં. જો અજાણતાં એક નાની ભૂલ થાય છે તો પેનલ્ટી અને દંડ બેગણો વસૂલવામાં આવશે. નવા ઇ-વે બિલ કાયદાના વિરોધમાં તમામ સ્ટેટ ટ્રાન્સપોર્ટ યુનિયનોએ પણ કેટને ટેકો આપ્યો છે. આ દરમિયાન ટ્રાન્સપોર્ટ ઓફિસો બંધ રહેશે. માલનું બુકિંગ, ડિલિવરી, લોડિંગ અને માલનું અનલોડિંગ બંધ રહેશે. ટ્રાન્સપોર્ટ સેકટર ઉપરાંત મોટી સંખ્યામાં રાષ્ટ્રીય વેપાર સંગઠનોએ પણ બંધને ટેકો આપ્યો છે. આમાં ઓલ ઇન્ડિયા FMCG ડિસ્ટ્રિબ્યુટર્સ ફેડરેશન, ફેડરેશન ઓફ એલ્યુમિનિયમ યુટેન્સિલ મેન્યુફેક્ચર્સ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશન, નોર્થ ઈન્ડિયા સ્પાઈસ ટ્રેડર્સ એસોસિયેશન, ઓલ ઇન્ડિયા વુમન એન્ટ્રપ્રિન્યર્સ એસોસિયેશન, ઓલ ઈન્ડિયા કમ્પ્યુટર ડીલર્સ એસોસિયેશન અને ઓલ ઇન્ડિયા કોસ્મેટિક મેન્યુફેક્ચર્સ એસોસિએશન વગેરે સામેલ છે. જ્યારે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ અને ભાઈચારા ઓલ ઈન્ડિયા ટ્રક ઓપરેટર્સ વેલ્ફેર એસોસિએશન વિરોધ પ્રદર્શનમાં જોડાશે નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular