Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સભારત એશિયા કપમાંથી લગભગ બહાર

ભારત એશિયા કપમાંથી લગભગ બહાર

ટી-20ની મજબૂત ગણાતી ભારતની ટીમ જો અને તો ની સ્થિતિ પર આવી ગઇ : સુપર-4માં શ્રીલંકાએ છ વિકેટે આપી હાર

- Advertisement -

કંગાળ બેટિંગ બાદ બોલરો અને ફિલ્ડરોના સરેરાશ દેખાવ બાદ ભારતનો શ્રીલંકા સામેની એશિયા કપ સુપર-ફોરની મેચમાં પરાજય થતાં ભારતીય ચાહકોમાં નિરાશા ફેલાઈ હતી. ભારતને આખરી ઓવરના પાંચમા બોલ પર બે વાર રનઆઉટની તક મળી હતી, પણ પંત-અર્ષદીપ તેે તકને ઝડપી શક્યા નહતા અને આખરે ભારત હાર્યું હતુ. જીતવા માટેના 174ના ટાર્ગેટને શ્રીલંકાએ 19.5 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. કુસલ મેન્ડિસ (57) અને નિસાંકા (52) એ અડધી સદી ફટકારી હતી. રોહિતના 41 બોલમાં 72 રન ભારતને જીતાડી શક્યા નહતા. શનાકા 18 બોલમાં 33 અને રાજપક્સા 17 બોલમાં 25 રને નોટઆઉટ રહ્યા હતા. ભારે રોમાંચક બનેલા મુકાબલામાં આખરી ઓવર અર્ષદીપે નાંખી હતી. શ્રીલંકાને આખરી બે બોલમાં જીતવા માટે બે રનની જરુર હતી, ત્યારે શનાકાએ બાયના બે રન લીધા હતા. તે બોલને ચૂકી ગયો હતો અને બોલ પંતની પાસે ગયો હતો. ત્યારે પંત પાસે બેટ્સમેનને રનઆઉટ કરવાની તક હતી, પણ તે ચૂકી ગયો હતો. બોલ અર્ષદીપ પાસે પહોંચ્યો હતો અને તે પણ નોનસ્ટ્રાઈકર એન્ડ પર રનઆઉટ કરવાની તક ચૂક્યો હતો. આ દરમિયાન શનાકા-રાજપક્ષા બે રન દોડી ગયા હતા અને શ્રીલંકા જીત્યું હતુ. નોંધપાત્ર છે કે, આખરી બે ઓવરમાં શ્રીલંકાને 21 રનની જરુર હતી, ત્યારે ભુવનેશ્ર્વરની બોલિંગમાં શનાકા-રાજપક્ષેએ 14 રન લીધા હતા. બંને વચ્ચે 5.4 ઓવરમાં 64 રનની અણનમ ભાગીદારી નોંધાઈ હતી.

- Advertisement -

જીતવા માટેના 174ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા શ્રીલંકાએ આક્રમક શરૂઆત કરી હતી. નિસાંકા અને કુસલ મેન્ડિસની જોડીએ 11.1 ઓવરમાં 97 રનની ભાગીદારી કરીને સનસનાટી મચાવી હતી. આ તબક્કે લાગતું હતુ કે, શ્રીલંકા આસાનીથી જીત મેળવી લેશે. જોકે ઈનિંગની 12મી ઓવરમાં ચહલે નિસાંકા બાદ અસાલાન્કાને આઉટ કરતાં ભારતીય કેમ્પમાં જોશ આવી ગયું હતુ. ત્યાર બાદ ગુણાથિલાકા (1) અને કુસલ મેન્ડિસ (37 બોલમાં 52) પણ આઉટ થતાં શ્રીલંકાએ ચાર વિકેટે 110 રન નોંધાવ્યા હતા.

રોહિત શર્માની કેપ્ટન ઈનિંગ સાથેના 41 બોલમાં પાંચ ચોગ્ગા અને 4 છગ્ગા સાથેના 72 તેમજ સૂર્યકુમાર યાદવ (29 બોલમાં 34) સાથેની ત્રીજી વિકેટની 9.4 ઓવરમાં નોંધાયેલ 97 રનની ઈનિંગને બાદ કરતા ભારતના બેટસમેનોનો ફ્લોપ શો રહેતા શ્રીલંકા સામેની એશિયા કપની સુપર ફોરની બીજી મેચમાં ભારતે 20 ઓવરોમાં 8 વિકેટે 173 રનનો સ્કોર કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular