ભારતીય નૌકાદળની પ્રીમિયર ઇલેક્ટ્રિકલ ટ્રેનિંગ સ્થાપના, ભારતીય નૌકા જહાજ (આઇએનએસ ) વાલસુરાએ 76મા સ્વતંત્રતા દિવસની ખૂબ જ ગર્વ અને દેશભક્તિ સાથે ઉજવણી કરી હતી. આઇએનએસ વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કોમોડોર જે.એસ. ધનોઆએ દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા બહાદુરોના સન્માન માટે યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ, તેમણે ગાર્ડ સાથે રાષ્ટ્રપતિના રંગ સાથે સેરેમોનિયલ પરેડની સમીક્ષા કરી હતી. એક હજારથી વધુ નૌ સૈનિકોએ પરેડમાં ભાગ લીધો હતો.
કમાન્ડિંગ ઓફિસરે તેમના સંબોધનમાં ભારતની આઝાદી સુનિશ્ચિત કરવા માટે શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો અને યુવા પેઢીને તેમની ફરજો સારી રીતે નિભાવીને રાષ્ટ્રને વધુ મજબુત બનાવવા માટે સમાન પ્રયાસો કરવા વિનંતી કરી હતી.
આ ઉપરાંત, પરેડ પછી, 13 જેએકે રાઈફલના પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા સુબેદાર મેજર સંજય કુમાર દ્વારા પ્રેરક વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. આ વાર્તાલાપમાં તાલીમાર્થીઓ અને શાળાના બાળકોએ ભાગ લીધો હતો જેઓ સુબેદાર મેજર સંજય કુમાર, પીવીસી પાસેથી ફર્સ્ટ હેન્ડ નેરેટિવ શીખવા માટે પ્રેરિત થયા હતા.